એપશહેર

20, 30 અને 40ની ઉંમરે આવું હશે ડાયટ તો રહેશો ફિટ અને યુવાન

શિવાની જોષી | I am Gujarat 5 Sep 2018, 12:13 pm
I am Gujarat eat food according to age group to stay fit and active
20, 30 અને 40ની ઉંમરે આવું હશે ડાયટ તો રહેશો ફિટ અને યુવાન


સ્વસ્થ જીવન માટે યોગ્ય ખોરાક જરૂરી

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે દરેક ઉંમરના વ્યક્તિને યોગ્ય પોષણની જરૂરિયાત હોય છે. પોષણક્ષમ આહાર લેવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. પરંતુ આધુનિક જીવનશૈલીમાં મોટાભાગના લોકોની ખાવાપીવાની આદતો પર અસર થઈ છે જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. 20, 30 અને 40 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માટે કયા ન્યૂટ્રીઅંટ્સની જરૂર હોય છે, વાંચો…

20 વર્ષની ઉંમરે કેવો ખોરાક લેવો?

20 વર્ષની ઉંમર એવી હોય છે જેમાં દરેક વ્યક્તિ પોતાના જીવનના નવા પડાવ પર આવીને ઊભો હોય છે. સામાન્ય રીતે 20-30 વર્ષની ઉંમર વચ્ચે લોકોને જોબ, લગ્ન, ફેમિલી, લવ લાઈફ સહિતની અનેક બાબતોનું પ્રેશર હોય છે. આ બધાનો સામનો કરવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. એના માટે યોગ્ય ખાનપાન જરૂરી છે. બ્રાઉન યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે, ટીનેજર્સની સરખામણીમાં 20 વર્ષની ઉંમરની આસપાસના લોકો 25 ટકા વધારે ફાસ્ટફૂડ ખાય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

20ની ઉંમરે આ ન્યૂટ્રીઅન્ટ્સ જરૂરી

પ્રોટીન– તાજેતરમાં થયેલા એક સ્ટડી પ્રમાણે શરીરને એક દિવસમાં લગભગ 60-70 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. પ્રોટીન શરીરના વિકાસ માટે જરૂરી છે સાથે જ શરીરને સ્વસ્થ પણ રાખે છે. હેલ્થ એક્સપર્ટ 20ની ઉંમરના લોકોને વધુમાં વધુ દૂધ, બીન્સ, ઈંડા અને વ્હાઈટ મીટ ખાવાની સલાહ આપે છે. પોટેશિયમ– હૃદય અને માંસપેશીઓ બરાબર કામ કરે તે માટે પોટેશિયમ ખૂબ જરૂરી છે. પરંતુ 20 વર્ષની આસપાસની મહિલાઓમાં પોટેશિયમની અછત જોવા મળે છે. એટલે તમારા દરરોજના ખોરાકમાં ફળ અને શાકને સામેલ કરવા જોઈએ. ઓમેગા 3– ઓમેગા 3 મગજમાં રહેલા કેમિકલ સેરોટોનિનના સ્તરને વધારે છે. સેરોટોનિન કેમિકલ આપણને સારું ફીલ કરાવે છે મતલબ મૂડ સારો રાખીને ડિપ્રેશનથી બચાવે છે.

20ની ઉંમરે આ ખાવું ખૂબ જરૂરી

દરરોજ દહીં થોડા અખરોટ સાથે ખાવું. કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ વધારે પ્રમાણમાં ખાવી. 6 સૂકા જલદારુ ખાવા જોઈએ. કાચા ગાજર બને તેટલા વધુ ખાવા. દૂધ અને પનીર પણ ડાયટમાં સામેલ કરો.

30ની ઉંમરે આ ન્યૂટ્રીઅન્ટ્સ જરૂરી

30ની ઉંમરના મોટાભાગના લોકો જોબ અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે જેના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપતાં નથી. એટલે શરીરમાં ધીમે-ધીમે નબળાઈ આવવા લાગે છે. થોડું કામ કરવાથી જ થાક અનુભવાય છે. આ સ્થિતિનો સામનો ન કરવો હોય તો આ ઉંમરે શરીરને પૂરતાં પોષકતત્વો આપવા ખૂબ જરૂરી છે.

30ની ઉંમરે આ પોષકતત્વો જરૂરી

ફોલેટ– ડાયટમાં ફોલેટ સામેલ કરવાથી હૃદયની બીમારીનું જોખમ ઓછું થાય છે. પાલક, બ્રોકોલી, અવોકેડો, સંતરા, આખા અનાજનું સેવન કરવાથી ફાયદો થશે. ફાઈટો ન્યૂટ્રીઅન્ટ્સ– આમાં એન્ટી-ઓક્સિડંટ હોય છે જે યુવાની જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કેન્સર સામે પણ રક્ષણ આપે છે. ફાઈટો ન્યૂટ્રીઅન્ટ્સ ડાર્ક ચોકલેટ, રેડ વાઈન અને કોફીમાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આયર્ન– એક સ્ટડી પ્રમાણે, જે મહિલાઓમાં આયર્ન એટલે કે લોહતત્વની કમી હોય તેઓને જ્ઞાન સંબંધી કાર્યો કરવામાં મુશ્કેલી પડે છે. બીન્સ, બટાકા, પાલક અનાજ વગેરેમાંથી આયર્ન મળે છે.

40ની ઉંમરે કયા ન્યૂટ્રીઅન્ટ્સ જરૂરી?

હેલ્થ એક્સપર્ટના મતે 40ની ઉંમરે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય છે. કારણકે આ જ ઉંમરથી વધુ પડતો થાક અને નબળાઈ અનુભવાય છે. એટલે જ 40ની ઉંમરે આ પોષક તત્વોને ખોરાકમાં સામેલ કરવાથી ફાયદો થાય છે. કેલ્શિયમ– 40ની ઉંમરે મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટી જાય છે. એટલે હાડકાં નબળા પડવા લાગે છે. આ ઉંમરે બ્રોકોલી, સંતરા, લીલા શાકભાજી, દૂધ વધારે પ્રમાણમાં લેવું જોઈએ. હેલ્થ એક્સપર્ટના મતે 40ની ઉંમરે ખાવાનું પચાવવા માટે જેટલા પ્રમાણમાં એસિડની જરૂર હોય તેટલું શરીર નથી બનાવી શકતું. જેથી 40ની ઉંમરે પહોંચેલા લોકોને ખોરાકમાંથી કેલ્શિયમ ઓછા પ્રમાણમાં મળે છે. માટે કેલ્શિયમ મળે તેવો ખોરાક વધુ ખાવો. વિટામિન ડી– વિટામિન ડી હાડકાંને મજબૂત રાખવાની સાથે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ સિવાય બ્રેસ્ટ અને કોલોન કેન્સર સામે પણ રક્ષણ પૂરું પાડે છે. જો કે 40ની ઉંમરે પહોંચીએ ત્યાં સુધી શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઘટવા લાગે છે. એટલે આ ઉંમરે વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે તેવો ખોરાક લેવો જોઈએ. ફાઈબર– ફાઈબર કોલોન કેન્સર સામે રક્ષણ આપે છે. આનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. એવી વસ્તુઓ ખાઓ જેમાંથી સોલ્યુબલ અને ઈંસોલ્યુબલ ફાઈબર બંને પૂરતા પ્રમાણમાં મળી રહે. જેમકે, ફળ, શાકભાજી, જવ, ઓટ્સ, અનાજ વગેરે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો