એપશહેર

કોવિડ પેશન્ટના O2 લેવલમાં ક્યારે વધ-ઘટ થાય? ક્યારે દર્દીને ઓક્સિજન પર રાખવો પડે?

કોરોનાના બીજા રાઉન્ડમાં હોસ્પિટલમાં લવાતા મોટાભાગના દર્દીઓને ઓક્સિજન આપવો પડે તેવી સ્થિતિ હોય છે, જો દર્દી ગંભીર હોય તો ઓક્સિજનની જરુર ખૂબ જ વધી જાય છે

TNN 24 Apr 2021, 4:25 pm
અમદાવાદ: કોરોનાની બીજી લહેર શરુ થઈ છે ત્યારથી હોસ્પિટલમાં એડમિટ થતાં મોટાભાગના દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે. જો દર્દી ક્રિટિકલ થઈ જાય તો તેને વધારે ઓક્સિજન આપવો પડે છે. તેના કારણે ઓક્સિજનની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે દર્દીના શ્વાસ ચાલુ રાખવા ડૉક્ટરો જ નહીં, પરંતુ દર્દીના સગાંને પણ દિવસ-રાત દોડધામ કરવાનો વખત આવ્યો છે. આખરે કોરોનાના દર્દીના શરીરમાં ઓક્સિજનના લેવલમાં વધારો-ઘટાડો થવાનું કારણ શું? અને કેમ તેમને ઓક્સિજન પર રાખવાની નોબત આવે છે તે પણ જાણવું જરુરી છે.
I am Gujarat covid oxygen therapy
તસવીર: યોગેશ ચાવડા


ઓક્સિજનની જરુર કેટલી?

માણસના ફેફસાં દર મિનિટે 5-6 મિલિલિટર જેટલા ઓક્સિજનનો વપરાશ કરે છે. જ્યારે આખા શરીરને એક મિનિટમાં 250 મિલી ઓક્સિજનની જરુર પડે છે. જો ફેફસામાં કોઈ બીમારી કે ઈન્ફેક્શન લાગુ પડે તો આ વપરાશ વધી જાય છે.

કોરોના પેશન્ટમાં ઓક્સિજન ઘટવાનું કારણ

જ્યારે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈએ ત્યારે ફેફસામાં ઓક્સિજનની સાથે બીજા પણ ઢગલાબંધ વાયુઓ ઉપરાંત ધૂળના સૂક્ષ્મ રજકણો જતાં હોય છે. ફેફસાં તેમાંથી ઓક્સિજન શોષી લે છે, અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. જોકે, કોરોનાને કારણે ફેફસાની ઓક્સિજન શોષવાની અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢવાની ક્ષમતા પર અસર પડે છે. ઘણા દર્દીની ફેફસાં સુધી બ્લડ લઈ જતી નસો બ્લોક થઈ જાય છે, અને ફેફસાંનો ઓક્સિજન શોષતો ભાગ ઈન્ફેક્શનથી ભરાઈ જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તેનાથી ન્યૂમોનિયાની સ્થિતિ સર્જાય છે અને દર્દીને ઓક્સિજન સપોર્ટની જરુર પડે છે.

દર્દીને ઓક્સિજન પર ક્યારે રાખવો પડે?

પેશન્ટના શરીરમાં ઓક્સિજનનું લેવલ 90 ટકાથી નીચે આવે ત્યારે તેને ઉપરથી ઓક્સિજન આપવો પડે છે. જો દર્દીને ફેફસાંની કોઈ બીમારી અગાઉ થઈ ચૂકી હોય તો તેને કોરોનાના શરુઆતના સ્ટેજમાં જ ઓક્સિજન આપવો પડી શકે છે. જોકે, કોઈપણ દર્દીએ ડૉક્ટરની સલાહ અને મોનિટરિંગ વિના ઘરે જ ઓક્સિજન થેરાપી ચાલુ ના કરવી જોઈએ. તેનાથી શરીરના અંગોને વધુ નુક્સાન થઈ શકે છે.

કોને કઈ રીતે ઓક્સિજન આપવો પડે?

જો દર્દીની સ્થિતિ ખાસ ગંભીર ના હોય તો તેને સાદું ઓક્સિજન માસ્ક પહેરાવીને ઓક્સિજનના સામાન્ય ફ્લો પર રાખી શકાય છે. જો કેસ સિરિયસ હોય તો ઓક્સિજનનું પ્રેશર વધારવું પડે છે. ખૂબ જ ગંભીર કેસમાં દર્દી જાતે શ્વાસ લઈ શકવા સક્ષમ જ ના હોય તો તેને વેન્ટિલેટર પર મૂકવો પડે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, કોરોનાના પહેલા રાઉન્ડમાં લગભ 41.5 ટકા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડતા હતા. જ્યારે બીજા રાઉનડમાં 54.5 ટકા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે. ઓક્સિજન પર રાખવા પડે તેવા દર્દીઓનું પ્રમાણ એક તરફ 13 ટકા જેટલું વધ્યું છે, તો બીજી તરફ દર્દીઓની સંખ્યા પણ પ્રચંડ માત્રામાં વધતા ઓક્સિજનની ડિમાન્ડમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. આ ડિમાન્ડને પહોંચી વળવું હોસ્પિટલ્સ માટે મુશ્કેલ હોવાથી હાલ દેશભરમાં ઓક્સિજનની મારામારી ચાલી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો