એપશહેર

કેનેડાના PR લેવા માગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, સરકારે કરી મહત્વની જાહેરાત

I am Gujarat 31 Oct 2020, 10:48 am
ઓટ્ટાવા: કેનેડા જવા માગતા લોકો માટે ખુશખબર છે. દેશના ઈમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોના જણાવ્યા અનુસાર, કેનેડા આગામી ત્રણ વર્ષમાં 12 લાખ ઈમિગ્રન્ટ્સને વિઝા/પીઆર આપવા કટિબદ્ધ છે.
I am Gujarat canada aims to welcome 12 lakh immigrants in next three years
કેનેડાના PR લેવા માગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, સરકારે કરી મહત્વની જાહેરાત


કોરોનાને કારણે માંદા પડેલા અર્થતંત્રને ગતિ આપવા અને લેબર માર્કેટમાં સર્જાયેલો ગેપ ભરવા માટે કેનેડાની સરકાર મોટાપાયે વિદેશીઓને આવકારવા આપવા તૈયાર છે.

જાણકારોનું માનીએ તો, 1911 પછી પહેલીવાર કેનેડા આટલી મોટી સંખ્યામાં વિદેશીઓને પીઆર આપવા જઈ રહ્યું છે. જેમાં 2021માં જ ઈકોનોમિક ક્લાસના 2,32,500 ઈમિગ્રન્ટ્સને દેશમાં વેલકમ કરવાનો પ્લાન છે.

2021માં કેનેડામાં હાલ જેઓ વસવાટ કરી રહ્યા છે તેમના 1,03,500 જેટલા પરિવારજનોને પણ વિઝા કે પીઆર અપાશે. આ સિવાય 59,500 રેફ્યુજી અને અન્ય પ્રોટેક્ટેડ લોકોને કેનેડા આવકારશે. 5,500 લોકોને માનવતાના ધોરણે પીઆર આપવાની જાહેરાત પણ કરાઈ છે.

ઓટ્ટાવામાં પત્રકારો સાથે વાત કરતા મેન્ડિસિનોએ જણાવ્યું હતું કે સરકાર 2021માં 4,01,000 લોકોને પીઆર આપવા તૈયાર છે, આ આંકડો 2022માં 4,11,000 અને 2023માં 4,21,000ને પહોંચશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેનેડાને વધુ કામદારોની જરુર છે, અને તેની આપૂર્તિ ઈમિગ્રેશન દ્વારા થઈ શકે તેમ છે.


કોરોના પહેલા પણ અર્થતંત્રને આગળ ધપાવવા માટે કેનેડાની સરકાર ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી જ હતી, પરંતુ હવે તે જરુરિયાત બની ગયું છે તેમ પણ ઈમિગ્રેશન મંત્રીએ જણાવ્યું હતું.

કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમ વર્ષોથી એક મોડેલ સિસ્ટમ ગણાવાય છે, જેના અંતર્ગત અત્યારસુધી લાખો સ્કીલ્ડ વર્કર્સ તેમજ રેફ્યુજી ઉપરાંત, પોતાના કેનેડા સ્થિત પરિવારજનો સાથે રહેવા માગતા લોકોને વિઝા, પીઆર કે નાગરિકત્વ આપવામાં આવ્યા છે.

કોરોનાને કારણે માર્ચ 2020માં કેનેડાએ પોતાની બોર્ડર લગભગ સીલ કરી દીધી હતી. જોકે, ઓગષ્ટ સુધીમાં કેનેડામાં 1,28,425 લોકોનો પ્રવેશ થયો છે. 2020માં કેનેડાનો ટાર્ગેટ 3,41,000 લોકોને વિઝા આપવાનો હતો, પરંતુ કોરોનાને કારણે આ ટાર્ગેટ પૂરો થવો મુશ્કેલ લાગી રહ્યો છે.

કેનેડાના ફાર્મિંગ, ફુડ પ્રોસેસિંગ, હેલ્થકેર જેવા સેક્ટર્સ માઈગ્રેટેડ લેબર્સ પર જ નભે છે. હાલના દિવસોમાં આ સેક્ટર્સમાં કામ કરતા અને કોરોનાનો ચેપ લાગી જવાનું જોખમ ધરાવતા વસાહતીઓને પીઆર આપવાની માગણીએ પણ જોર પકડ્યું છે.

મહત્વનું છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ કેનેડા જાય છે, અને કેનેડાના પીઆર લઈ ત્યાં સેટલ થઈ જનારા ગુજરાતીઓની સંખ્યા પણ નાની નથી. આ સિવાય સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જનારા ગુજરાતીઓનો આંકડો પણ મોટો છે.

આગામી વર્ષોમાં કેનેડા પીઆર આપવાની લિમિટ વધારી રહ્યું છે ત્યારે ગુજરાતીઓને પણ તેનો ફાયદો થાય તેવી પૂરી શક્યતા છે.

Read Next Story