એપશહેર

ટ્રમ્પ વૉલ કૂદતા મોતને ભેટેલા કલોલના યુવકની પત્ની પૂજા USમાં અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ?

ટ્રમ્પ વૉલ કૂદવા જતાં બ્રિજકુમાર યાદવ મેક્સિકોની હદમાં જ્યારે તેમની પત્ની પૂજા અમેરિકાની હદમાં પડ્યા હતા, અમેરિકાની પોલીસે પૂજાની ધરપકડ પણ કરી હતી અને હાલ તેની વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ગુજરાત પોલીસ પણ પૂજા યાદવની પૂછપરછ કરવા માગે છે પરંતુ હાલ તે અમેરિકામાં ક્યાં છે તેની કોઈને ખબર નથી.

Authored byAshish Chauhan | Edited byનવરંગ સેન | TNN 27 Feb 2023, 10:23 am

હાઈલાઈટ્સ:

  • બ્રિજકુમારે કયા એજન્ટો સાથે કેટલામાં ડીલ કરી હતી તેની માહિતી માત્ર પૂજા પાસે જ છે
  • મૃતકના પરિવારજનો પણ આ મામલે પોલીસ સામે કશુંય બોલવા માટે તૈયાર નથી
  • ગુજરાત પોલીસ પૂજાની પૂછપરછ કરે તે પહેલા જ તે ગાયબ થઈ જતાં પોલીસ પણ મૂંઝાઈ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat brijkumar yadav kalol
એક મહિનામાં ઈન્ડિયાથી મેક્સિકો પહોંચી હતી બ્રિજકુમારની ફેમિલી
અમદાવાદ: કલોલના યુવકનું મેક્સિકો બોર્ડર પર ટ્રમ્પ વૉલ કૂદતાં મોત થયાની ઘટનામાં હવે એક નવો ફણગો ફુટ્યો છે. મૃતક બ્રિજકુમાર યાદવની પત્ની પૂજા પણ આ કેસમાં તેની સાથે જ અમેરિકા જવા નીકળી હતી, અને તેમની સાથે તેમનો ત્રણ વર્ષનો દીકરો પણ હતો. બ્રિજકુમાર પોતાના દીકરા સાથે ટ્રમ્પ વૉલ પરથી પડ્યો ત્યારે મેક્સિકોની હદમાં પડ્યો હતો. જ્યારે તેની પત્ની પૂજા અમેરિકાની હદમાં પડી હતી, અને તેને હોસ્પિટલમાં એડમિટ પણ કરાઈ હતી. પૂજા અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસી હોવાથી અમેરિકન પોલીસે તેની ધરપકડ પણ કરી હતી, હાલ પણ તે અમેરિકામાં જ છે પરંતુ તેનો કોઈ અતોપતો નથી.
ગુજરાતીઓએ ફાડીને ફેંકી દીધેલા પાસપોર્ટને કારણે વારંવાર ઉભરાય છે આ એરપોર્ટના ટોઈલેટ!
દીકરાની કસ્ટડી પૂજા પાસે

બ્રિજકુમારના મોત બાદ તેના ત્રણ વર્ષના દીકરાની કસ્ટડી પૂજાને સોંપવામાં આવી હતી. પૂજા યાદવને અમેરિકન પોલીસે હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી, જ્યાંથી ડિસ્ચાર્જ અપાયા બાદ પોલીસે તેને મુક્ત તો કરી હતી પરંતુ તેને ઈમિગ્રેશન કોર્ટમાં નિયમિત હાજરી આપવાની થતી હતી. બીજી તરફ, ગુજરાત પોલીસ પણ પૂજા યાદવનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે, તેનો ફોન સતત સ્વીચ્ડ ઓફ આવી રહ્યો છે. આ કેસમાં ગુજરાત પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી હતી, પરંતુ પૂજા યાદવ સાથે વાત ના થઈ શકવાને કારણે બીજા કયા-કયા એજન્ટો બ્રિજકુમારને મોકલવામાં સામેલ હતા તેમજ આ સોદો કેટલા રૂપિયામાં કરાયો હતો તેની નક્કર વિગતો પોલીસને નથી મળી રહી.

ફેમિલીને પણ ખબર નથી કે પૂજા ક્યાં છે?

માત્ર ગુજરાત પોલીસ જ નહીં, પરંતુ બ્રિજકુમાર યાદવના પરિવારને પણ ખબર નથી કે પૂજા અને તેનો ત્રણ વર્ષનો દીકરો અમેરિકામાં હાલ ક્યાં છે. નવાઈની વાત એ છે કે, બ્રિજકુમારના મોત બાદ તેના પરિવારજનોએ તેનો મૃતદેહ ભારત લાવવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે આવું કેમ કર્યું તે પણ પોલીસને આજ સુધી જાણવા નથી મળ્યું. આ કેસમાં ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શુક્રવારે સાહિલ વ્યાસ અને સૌરભ પટેલ નામના બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે સૌરભ અને સાહિલ અમદાવાદ સ્થિત એજન્ટો માટે કામ કરતા હતા. જોકે, અમદાવાદનો એક એજન્ટ અને ગાંધીનગરના ત્રણ એજન્ટો હાલ ફરાર છે.

ગુજરાતના કયા સમાજમાં છોકરી USAમાં હોય તો છોકરાવાળા સામેથી તેને દહેજ આપે છે?
બ્રિજકુમારના અંતિમ સંસ્કાર પણ અમેરિકામાં થયા

આ કેસમાં બ્રિજકુમાર યાદવની પત્ની પૂજા યાદવ સૌથી મહત્વની સાક્ષી છે. બ્રિજકુમાર યાદવનું જ્યારે મેક્સિકો બોર્ડર પર મોત થયું ત્યારે તેના પરિવારજનોએ તો એવું કહીને હાથ અદ્ધર કરી દીધા હતા કે બ્રિજકુમાર અમેરિકા જવા નીકળ્યો છે તેની તેમને કંઈ જાણ જ નહોતી. તેવામાં કલોલનો આ પરિવાર કોના દ્વારા અને કઈ રીતે અમેરિકા પહોંચ્યો તેની વિગતો માત્ર પૂજા જ આપી શકે તેમ છે. પૂજા અમેરિકાની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી ત્યારથી જ ગુજરાત પોલીસ તેની પાસેથી કેટલીક મહત્વની વિગતો જાણવા પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેમાં હજુ સુધી કોઈ સફળતા નથી મળી. અધૂરામાં પૂરું હવે તો તેનો ફોન નંબર જ બંધ થઈ જતાં પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે.

18 નવેમ્બરે અમેરિકા જવા નીકળ્યા હતા

મૂળ યુપીના પરંતુ વર્ષોથી કલોલમાં રહેતા બ્રિજકુમારના કેટલાક મિત્રો ગેરકાયદે રીતે અમેરિકા ગયા હતા. જેમને જોઈ તે પોતે પણ અમેરિકા પહોંચવા મોટું જોખમ લેવા તૈયાર થયો હતો. બ્રિજકુમારને એજન્ટોએ મેક્સિકો લાઈન પરથી અમેરિકા મોકલવાનું નક્કી કર્યું હતું, અને તેના માટે તમામ ફેક ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બ્રિજકુમારના ફેમિલી માટે તુર્કીના વિઝાનું સેટિંગ કરવામાં આવ્યું હતું અને 18 નવેમ્બર 2022ના રોજ તેમણે મુંબઈથી ઈસ્તાંબુલ જવા ફ્લાઈટ પકડી હતી. તુર્કીથી બ્રિજકુમાર, તેની પત્ની અને ત્રણ વર્ષનો દીકરો મેક્સિકો પહોંચ્યા હતા.

Read Next Story