એપશહેર

IPL હરાજીઃ અર્જુન તેંડુલકર શોર્ટલિસ્ટ, શ્રીસંતને ન મળ્યું સ્થાન

આઈપીએલની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી માટે 292 ક્રિકેટર્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

I am Gujarat 12 Feb 2021, 9:53 pm
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી માટે 292 ક્રિકેટર્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 164 ભારતીય, 125 વિદેશી અને ત્રણ એસોસિયેટ દેશોના છે. 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં યોજાનારી હરાજીમાં ટીમો આ ખેલાડીઓમાંથી પોતાની પસંદના ખેલાડીઓની ખરીદી કરશે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ઝડપી બોલર શ્રીસંતને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો નથી.
I am Gujarat arjun tendulkar7


આઠ વિદેશી ખેલાડીઓ અને બે ભારતીય ખેલાડીઓને સૌથી વધુ કિંમત ધરાવતા બ્રેકેટમાં રાખવામાં આવ્યા છે. આ 10 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. આ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ, ઈંગ્લેન્ડનો મોઈન અલી, સેમ બિલિંગ્સ, લિયામ પ્લેન્કેટ, જેસન રોય અને માર્કવૂડ, બાંગ્લાદેશનો ઓલ-રાઉન્ડર સાકિબ અલ હસનની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે જ્યારે હરભજન સિંહ અને કેદાર જાધવ પણ આ યાદીમાં સામેલ છે.

હરાજી માટે 1,114 ખેલાડીઓએ રેજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી આઠ ટીમોએ તેમને શોર્ટલિસ્ટ કર્યા હતા. વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 ટુર્નામેન્ટ આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાશે. સ્મિથ ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો પરંતુ આ વખતે ટીમે તેને રિલિઝ કર્યો છે. રાજસ્થાન રોયલ્સે ઈંગ્લેન્ડની ત્રિપુટી બેન સ્ટોક્સ, જોસ બટલર અને જોફ્રા આર્ચને રિટેન કર્યા હતા.

શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાં અર્જુન તેંડુલકર પણ સામેલ છે. 21 વર્ષીય અર્જુન ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ ટીમ માટે રમે છે અને તેણે ઓલ-રાઉન્ડર તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું. અર્જુનની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે.

આ હરાજીમાં ઈંગ્લેન્ડનો 42 વર્ષીય નયન દોશી સૌથી વયસ્ક ખેલાડી છે. નયન દોશી ભારતના ભૂતપૂર્વ બોલર દિલીપ દોશીનો પુત્ર છે. જ્યારે સૌથી નાની વયનો ખેલાડી નૂર અહેમદ છે. અફઘાનિસ્તાનનો 16 વર્ષીય ક્રિકેટર હજી સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.

Read Next Story