એપશહેર

લાલ જાજમ, ફૂલોનો વરસાદ અને ઢોલ-નગારા સાથે કેપ્ટન રહાણેનું થયું ભવ્ય સ્વાગત

અજિંક્ય રહાણેએ કપરા સંજોગોમાં ટીમની આગેવાની કરીને ઓસ્ટ્રેલિયામાં ભારતને સિરીઝ જીતાડી હતી

I am Gujarat 21 Jan 2021, 4:45 pm
મુંબઈઃ ઓસ્ટ્રેલિયન પ્રવાસથી પરત ફર્યા બાદ અજિંક્ય રહાણેનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની કારકિર્દીમાં રહાણેનું આવું સ્વાગત ક્યારેય કરવામાં આવ્યું નથી. પરંતુ દાદરમાં જ્યાં રહાણે રહે છે ત્યાંની સોસાયટીના ગેટ પર પહોંચતા ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી સુકાનીને લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રહાણેએ માસ્ક પહેરી રાખ્યું હતું અને પોતાની બે વર્ષીય પુત્રી આર્યાને તેડી હતી અને તેની પત્ની રાધિકા પણ તેની સાથે હતી. રહાણે પર ફૂલ વર્ષા કરવામાં આવી હતી અને ઢોલ-નગારા તથા શરણાયીઓથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ આલા રે આલા, અજિંક્ય આલા (અજિંક્ય આવ્યો)ની બૂમો પાડીને આ અદ્દભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
I am Gujarat flower petals red carpet dhols and shehnais welcome captain ajinkya rahane back after winning test series in australia
લાલ જાજમ, ફૂલોનો વરસાદ અને ઢોલ-નગારા સાથે કેપ્ટન રહાણેનું થયું ભવ્ય સ્વાગત


રોહિત, શાસ્ત્રી અને શો સાથે મુંબઈ પહોંચ્યો રહાણે

સોસાયટીના રહેવાસીઓએ અજિંક્ય રહાણેનું આવું ભવ્ય સ્વાગત કર્યું હતું. અગાઉ જ્યારે તે ગુરૂવારે સવારે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મીડિયા ફોટોગ્રાફર્સ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા. રહાણે ઉપરાંત તેના સાથી મુંબઈકર્સ રોહિત શર્મા, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ઓપનર પૃથ્વી શો પણ હતા. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ 36 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી અને કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ પર પરત ફર્યો હતો. ત્યારે એવા કપરા સંજોગોમાં ટીમની કમાન રહાણેના હાથમાં આવી હતી. રહાણેએ બીજી ટેસ્ટમાં સદી ફટકારીને ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ખાસ આંકડા દ્વારા બનાવવામાં આવ્યું પોસ્ટર

તેની બિલ્ડિંગની નીચે તેના ટેસ્ટ કેપ્ટન તરીકેના રેકોર્ડ્સના આંકડાને લગતું એક બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું સ્વાગત કરાયું હતું. 5 ટેસ્ટમાં રહાણેએ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે, 4 ટેસ્ટમાં તેની આગેવાનીમાં ભારત જીત્યું છે અને 3 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયામાં ટીમે વિજય નોંધાવ્યો છે. જ્યારે તેની કેપ્ટનશિપમાં એક ટેસ્ટ ડ્રો રહી છે.

અમે ખુશ, ઘરમાં આનંદનો માહોલ છેઃ પિતા

રહાણેના પિતા મુધકરે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પુત્રએ ઓસ્ટ્રેલિયામાં કપરા સંજોગોમાં કેવી રીતે સફળતાપૂર્વક ટીમની કેપ્ટનશિપ કરી તે જોઈને પિતા તરીકે મને ઘણો ગર્વ થઈ રહ્યો છે. કલ્યાણમાં એક પારિવારીક પ્રસંગ હોવાના કારણે અમે તેને આવકારવા એરપોર્ટ જઈ શકીશું નહીં અને તેના ઘરે પણ મળી શકીશું નહીં. જોકે, તે પરત ફર્યો ત્યારબાદ વિડીયો કોલ પર અમે તેની સાથે વાતચીત કરી હતી. ઘરમાં આનંદનું વાતાવરણ છે અને અમને ઘણી ખુશી થઈ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો