એપશહેર

ઈશાન કિશને અડધી સદી ફટકારી ત્યારે કોહલીએ તેને આપ્યો હતો આ 'આદેશ'

ઈશાન કિશને ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 દ્વારા આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો છે, પ્રથમ મેચમાં જ તેણે ધમાકેદાર બેટિંગ કરી હતી

I am Gujarat 15 Mar 2021, 11:30 pm
યુવાન બેટ્સમેન ઈશાન કિશને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચ દ્વારા પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. તેણે પ્રથમ મેચમાં જ તોફાની અંદાજમાં બેટિંગ કરતા અડધી સદી ફટકારીને ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે અડધી સદી પૂરી કર્યા બાદ સામે છેડે રમી રહેલા કેપ્ટન વિરાટ કોહલીએ ઈશાન કિશનને એક ખાસ આદેશ આપ્યો હતો.
I am Gujarat ishan kishan3


ઈંગ્લેન્ડે ભારત સામે 165 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં ઈશાન કિશન અને કોહલીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. કોહલી અને ઈશાને 94 રનની ભાગીદારી નોંધાવીને ભારતના વિજયને આસાન બનાવ્યો હતો. ઈશાન કિશને આદિલ રાશિદના બોલ પર સિક્સર ફટકારીને અડધી સદી પૂરી કરી હતી. તેણે ફ્કત 28 બોલમાં જ અડધી સદી ફટકારી હતી.

મેચ બાદ ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના જાણીતા શો ચહલ ટીવી માટે કિશન સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે અડધી સદી પૂરી કર્યા બાદ કોહલીએ તેને શું કહ્યું હતું. તેણે તે પણ કહ્યું હતું કે તેને એવું લાગ્યું હતું કે આ તેને કોહલી તરફથી મળેલો આદેશ છે.

તેણે કહ્યું હતું કે, હું નર્વસ ન હતો. પ્રામાણિકતાથી કહું તો મને ખબર ન હતી કે મેં અડધી સદી પૂરી કરી છે. જ્યારે વિરાટ ભાઈએ મને કહ્યું હતું કે આ ટોપ ઈનિંગ્સ છે ત્યારે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ અડધી સદી પૂરી થયા બાદ સામાન્ય રીતે હું બેટ ઊંચુ કરતો નથી. જોકે, પાછળથી વિરાટ ભાઈનો અવાજ આવ્યો હતો, ઓય, ચારે બાજુ ફરીને બેટ દેખાડ. બધાને બેટ દેખાડ, પહેલી મેચ છે તારી. મને લાગ્યું કે આ તેમનો આદેશ છે તેથી મેં બેટ ઊંચુ કર્યું હતું.

કિશને જણાવ્યું હતું કે કોહલી સાથે બેટિંગ કરતા તેને શીખવા પણ મળ્યું હતું. કોહલીએ મેચમાં 49 બોલમાં અણનમ 73 રન ફટકાર્યા હતા. તેણે સિક્સર ફટકારીને ભારતને સાત વિકેટે વિજય અપાવ્યો હતો. કિશને જણાવ્યું હતું કે, શરૂઆતમાં મને તેના સ્તર સુધી પહોંચવામાં તકલીફ પડી હતી. બાઉન્ડ્રી ફટકાર્યા બાદ કે બે રન લીધા બાદ તેની એનર્જી અદ્દભુત રહેતી હતી જેનો મેં ક્યારેય અનુભવ કર્યો ન હતો. પરંતુ મને સમજાયું હતું કે આ લેવલે મારે કેવી બોડી લેંગ્વેજની જરૂર છે. આમ વિરાટ કોહલી સાથે બેટિંગ દરમિયાન હું આવી નાની-નાની બાબતો શીખ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો