એપશહેર

ભારતે લીધો એડિલેડ ટેસ્ટનો બદલો, ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં 8 વિકેટે ભવ્ય જીત

I am Gujarat 29 Dec 2020, 9:22 am
અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટને 8 વિકેટે જીતી લીધી છે. આ સાથે જ 4 ટેસ્ટની સીરિઝમાં ભારતની ટીમ 1-1ની બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 15.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર સરળતાથી હાંસેલ કરી લીધો હતો. જેમાં શુભમન ગિલે 36 બોલમાં 7 ચોગ્સા સાથે અણનમ 35 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ 40 બોલમાં 3 ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું.
I am Gujarat match


આ પહેલા ચોથા દિવસની રમતના લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતે 200 રનમાં ઓલઆઉટ કરી દીધી. ચોથા દિવસની રમતની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાને 133 રનથી કરી હતી. જેમાં કેમરૂન ગ્રીને બીજી ઈનિંગ્સમાં મહત્વપૂર્ણ 45 રનનું યોગદાન આપ્યું હતું. પેટ કમિન્સે પણ 22 રન, તથા મિચેલ સ્ટાર્કે 14 રન અને જોશ હેઝલવૂડે 10 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ 150 સુધી પણ નહીં પહોંચી તેમ લાગી રહ્યું હતું, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોએ ટીમની લાજ રાખતા સ્કોરને 200 સુધી પહોંચાડી દીધો હતો.

બીજી ઇનિંગ્સમાં ભારતીય બોલર્સે ચોથા દિવસની રમતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં મોહમ્મદ સિરાજે 21.3 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે જાડેજા, બુમરાહ, અને રવિચંદ્રન અશ્વિનને 2-2-2 વિકેટો મળી હતી. બીજી ઇનિંગ્સમાં ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઉમેશ યાદવે પણ 1 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની પૂર્વ ક્રિકેટર્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

રહાણેની 12મી ટેસ્ટ સદી
આ પહેલા ભારતની પહેલી ઈનિંગ્સમાં એજિંક્ય રહાણેએ ટેસ્ટમાં બીજા દિવસે સદી ફટકારી હતી. આ રહાણેની 12મી ટેસ્ટ સદી હતી. જેમાં તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રહાણે મેલબોર્નમાં સદી ફટકારનારો બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકરે આ જ મેદાન પર 1999-2000માં સદી ફટકારી હતી.

ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં સરસાઈ મેળવ્યા બાદ પણ ટીમ માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે ભારતીય ટીમનો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો. જેના કારણે દુનિયાભરમાં ટીમ હાંસીને પાત્ર બની હતી. એવામાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે પર ટીમને જીત અપાવવાનું વધારે પ્રેશર હતું. રહાણેએ પોતાની કેપ્ટનશીપથી અનેક ક્રિકેટ દિગ્ગજોને પોતાના પ્રશંસક બનાવી દીધા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો