એપશહેર

IPL-2021 હરાજીઃ 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ભરાશે ક્રિકેટરોનું બજાર

આઈપીએલ ટી02 ક્રિકેટ ટુર્નામેન્ટની આગામી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થશે

I am Gujarat 27 Jan 2021, 4:22 pm
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી યોજાશે. ટુર્નામેન્ટના આયોજકો દ્વારા આઈપીએલનાા ટ્વિટર પેજ પર તારીખની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના કારણે વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ગત સિઝન યુએઈમાં રમાઈ હતી. આ મિનિ ઓક્શન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પ્રથમ બે ટેસ્ટ વચ્ચે પૂરી થયા બાદ યોજાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ત્યારબાદ 13થી 17 ફેબ્રુઆરી દરમિયાન બીજી ટેસ્ટ પણ ચેન્નઈમાં જ રમાવાની છે.
I am Gujarat IPL2021


જોકે, આઈપીએલ-2021 ભારતમાં રમાશે કે પછી ભારત બહાર તે હજી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે આ ટુર્નામેન્ટ ઘરઆંગણે રમાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળાના કારણે આઈપીએલ-2020 યુએઈમાં રમાઈ હતી. જોકે, તેના સમયમાં પણ ફેરફાર થયો હતો. દર વર્ષે આઈપીએલનું આયોજન માર્ચથી મે દરમિયાન થતું હોય છે પરંતુ કોરોનાના કારણે ગત સિઝન સપ્ટેમ્બર-નવેમ્બરમાં રમાઈ હતી.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી સિરીઝ સફળતાપૂર્વક પૂરી થશે તો આઈપીએલનું આયોજન ઘરઆંગણે થશે તેની શક્યતાઓ વધી જશે. આઈપીએલ હરાજી અગાઉ પ્રત્યેક ટીમોએ તેના કયા ખેલાડીઓને રિટેઈન કરવાના છે અને કોને રિલીઝ કરવાના છે તેની જાહેરાત કરવાની હતી. 20 જાન્યુઆરી સુધી ટીમોને આ જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ટ્રેડિંગ વિન્ડો 4 ફેબ્રુઆરીએ બંધ થશે.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિંચ જેવા સ્ટાર ખેલાડીઓને તેમની ટીમોએ રિલીઝ કર્યા છે. આ ઉપરાંત ક્રિસ મોરિસ, હરભજન સિંહને પણ તેની ટીમો દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રીલંકન દિગ્ગજ લસિત મલિંગાએ ક્લબ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તેથી તે હવે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળશે નહીં.

ફ્રેન્ચાઈઝીઓ દ્વારા કુલ 139 ખેલાડીઓ રિટેઈન કરવામાં આવ્યા છે જ્યારે 57 ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. હરાજી માટે કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી મોટુ 53.20 કરોડ રૂપિયાનું પર્સ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે 35.90 કરોડ અને રાજસ્થાન રોયલ્સ પાસે 34.85 કરોડ રૂપિયાનું પર્સ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે સૌથી ઓછુ 10.75 કરોડ રૂપિયાનું પર્સ છે.

Read Next Story