એપશહેર

અશ્વિનની ખુલ્લી ચેલેન્જ, ઈંગ્લેન્ડ સીરિઝમાં પુજારા આ કામ કરશે તો પોતાની અડધી મૂંછ કપાવી દેશે

I am Gujarat 26 Jan 2021, 11:46 am
રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ શરૂ થતા પહેલા જ એક જોરદાર શરત મૂકી દીધી છે. ભારતીય ઓફ સ્પિનરે કહ્યું કે, જો ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડના કોઈ સ્પિનરના બોલ પર તેના માથા ઉપરથી શોટ મારશે તો તે પોતાની અડધી મૂંછ કપાવી નાખશે.
I am Gujarat ash


ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની સીરિઝની શરૂઆતની બે મેચો ચેન્નઈમાં રમાશે. મહેમાન ટીમમાં મોઈન અલી, ડોમ બેસ અને જેક લીચ જેવા ત્રણ સ્પિનર્સ સામેલ છે.

રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે વાતચીતનો એક વીડિયો પોતાના યુ-ટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. રાઠોડે અશ્વિનને જણાવ્યું કે, પુજારાના સ્પિનર્સ વિરુદ્ધ આગળ વધીને શોટ ન રમવાનું મોટું મજબૂત કારણ આપ્યું છે. રાઠોડની આ વાત બાદ અશ્વિને મજાકમાં આ ચેલેન્જ આપી દીધી.

અશ્વિને પૂછ્યું, શું આપણે ક્યારેય પુજારાને કોઈ ઓફ-સ્પિનરના બોલ પર ઓવર ધ ટોપ શોટ મારતા જોઈ શકીશું? રાઠોડે તેના પર જવાબ આપ્યો કે, કામ ચાલું છે, હું તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ઓછામાં ઓછું તે એકવાર તો આમ કરે. તે હજુ સુધી માની નથી રહ્યા. તેઓ આમ ન કરવાનું કોઈ મજબૂત કારણ મને આપી રહ્યા છે.'

અશ્વિને આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ સીરિઝમાં મોઈન અલી અથવા અન્ય કોઈ સ્પિનર પર આગળ વધીને શોટ રમે છે તો હું પોતાની અડધી મૂંછ કપાવીને મેચ રમવા માટે આવીશ. આ એક ખુલ્લો પડકાર છે.

ચેતેશ્વર પુજારા ભારતીય બેટિંગ ક્રમના મજબૂત દીવાલ તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. તેની રમવાની અલગ સ્ટાઈલ છે. તે ટ્રેડિશનલ ક્રિકેટ રમે છે જેમાં હવામાં શોટ મારવાનો સ્કોપ નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની અને બ્રિસબેનમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં તેણે પોતાની રમતથી રોલ સાબિત કર્યો. પુજારાની રમત એવા પ્રકારની છે કે તે એક છેડો સંભાળીને ઊભો રહી જાય છે જેનાથી બાકીના ક્રિકેટર્સ ખુલીને સ્ટ્રોક મારી શકે.

Read Next Story