એપશહેર

રોહિત શર્માએ પાસ કરી ફિટનેસ ટેસ્ટ, 14મીએ ઓસ્ટ્રેલિયા જશે!

રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે 14 તારીખે ઓસ્ટ્રેલિયા જવા નીકળી જશે તેવું મનાઈ રહ્યું છે જેથી છેલ્લી બે ટેસ્ટ પહેલા તેનો આઈસોલેશન પીરિયડ પૂરો થઈ જાય.

Agencies 11 Dec 2020, 4:20 pm
નવી દિલ્હી: ભારતીય ટીમના સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ 17 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર ટેસ્ટ મેચોની સીરિઝ પહેલા શુક્રવારે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. રોહિતે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ટેસ્ટ પાસ કરી.
I am Gujarat Rohit Sharma


ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન રોહિતની મસલ્સ ખેંચાઈ ગયા હતા, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વન-ડે અને ટી-20માં ભારતીય ટીમ સાથે જોડાઈ શક્યો ન હતો. કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં આઈસોલેશનના નિયમોને પગલે તે જોકે, પહેલી બે ટેસ્ટમાં નહીં રમી શકે, પરંતુ છેલ્લી બે ટેસ્ટમાં તે ટીમ ઈન્ડિયા તરફથી રમી શકે છે.

એવા અહેવાલો છે કે, રોહિત 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા નીકળશે અને તે પછી તે ઓઈસોલેશનમાં રહેશે. તેને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે અને ત્રીજી તેમજ ચોથી ટેસ્ટ મેચમાં તે રમતો જોવા મળી શકે છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના એક સીનિયર સૂત્રએ જણાવ્યું કે, 'રોહિતએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે જલદી જ ઓસ્ટ્રેલિયા જવા નીકળશે.' રોહિતની ગણતરી દુનિયાના સ્ટાર બેટ્સમેનોમાં કરાય છે. તે અત્યાર સુધીમં 224 વન-ડે, 108 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવા ઉપરાંત 32 ટેસ્ટ રમ્યો છે.

રોહિતની ફિટનેસ ટેસ્ટ એનસીએના ડિરેક્ટર રાહુલ દ્રવિડની દેખરેખમાં થઈ. તેને ફિટનેસ પ્રમાણપત્ર આપવાની જવાબદારી દ્રવિડને આપવામાં આવી હતી. આશા રાખવામાં આવી રહી છે કે, રોહિત આગામી બે દિવસમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ જશે. તે સિડની (7થી 11 જાન્યુઆરી) અને બ્રિસબેન (15થી 19 જાન્યુઆરી)માં રમાનારી છેલ્લી બે ટેસ્ટ માટે પ્રેક્ટિસ કરતા પહેલા 14 દિવસ સુધી ત્યાં આઈસોલેશનમાં રહેશે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 17 ડિસેમ્બેરથી 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. તે પહેલા તેને વન-ડે સરિઝમાં યજમાન ટીમ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ટી-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની ઈજાને લઈને ઘણો વિવાદ થયો હતો. રોહિત આઈપીએલની મેચો પૂરી થયા પછી યુએઈથી સીધો ભારત પાછો આવી ગયો હતો, જ્યારે બાકીની ટીમ સીધી ઓસ્ટ્રેલિયા ગઈ હતી. રોહિતની ઈજાને લઈને બીસીસીઆઈ કે કેપ્ટન વિરાટ કોહલી સહિત કોઈ સ્પષ્ટ જવાબ નહોંતું આપી શક્યું. કોઈને એ પણ ખબર ન હતી કે, રોહિત કોના કહેવાથી અને કોને જણાવીને સીધો ભારત આવતો રહ્યો છે. જોકે, બાદમાં બીસીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે, વાતને ખોટી ચગાવાઈ રહી છે, રોહિત ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ઉપલબ્ધ નહીં રહે તે પહેલેથી જ નક્કી હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો