એપશહેર

બીજી વન-ડેઃ ભારત સામે આસાન વિજય સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝ પણ જીતી

બીજી વન-ડેમાં ભારતનો સાત વિકેટે પરાજય, મલાન અને ક્વિન્ટન ડીકોકની શાનદાર અડધી સદી

I am Gujarat 21 Jan 2022, 10:11 pm
ઓપનર જાનેમાન મલાન અને ક્વિન્ટન ડીકોકની શાનદાર અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ મંગળવારે બોલેન્ડ પાર્કમાં રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મેચમાં ભારત સામે સાત વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે હવે ત્રીજી અને અંતિમ વન-ડે 23 જાન્યુઆરી રવિવારે રમાશે.
I am Gujarat boland park


સુકાની લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે રાહુલ અને રિશભ પંતની અડધી સદીની મદદથી નિર્ધારીત 50 ઓવરમાં છ વિકેટે 287 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં યજમાન ટીમે લાજવાબ બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને 48.1 ઓવરમાં ત્રણ વિકેટે 288 રન નોંધાવીને મેચ અને સીરિઝ બંને જીતી લીધા હતા. મલાન સદી ચૂકી ગયો હતો. તેણે ટીમ માટે સૌથી વધુ 91 રન નોંધાવ્યા હતા.

સારી શરૂઆત બાદ ભારતને ઉપરા-ઉપરી બે ઝટકા
ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. લોકેશ રાહુલ અને શિખર ધવનની જોડીએ 11.4 ઓવરમાં 63 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, માર્કરામે ભારતને પ્રથમ ઝટકો આપતા ધવનને આઉટ કર્યો હતો. તેણે 38 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. ભારત આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા જ ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો હતો. કેશવ મહારાજે ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. કોહલી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આમ ભારતે 64 રનના સ્કોર પર પોતાની બે મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી.

રિશભ પંતની આક્રમક અડધી સદી, લોકેશ રાહુલે આપ્યો સાથ
જોકે, બાદમાં રિશભ પંત અને લોકેશ રાહુલની જોડીએ બાજી સંભાળી હતી અને રન ગતિને ઝડપી બનાવી હતી. તેમાં પણ રિશભ પંતે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. સામે છેડે રાહુલે ધીરજપૂર્વક બેટિંગ કરીને તેને સાથ આપ્યો હતો. આ દરમિયાન સાઉથ આફ્રિકાએ બંને બેટર્સને કેટલાક જીવતદાન પણ આપ્યા હતા. પંત અને રાહુલની જોડીએ 115 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.

આ જોડી રમી રહી હતી ત્યારે લાગી રહ્યું હતું કે ભારત 300થી વધુનો સ્કોર નોંધાવશે પરંતુ બંને બેટર નજીકના ગાળામાં જ આઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાએ કમબેક કર્યું હતું અને રન ગતિ પર રોક લગાવી દીધી હતી. સૌથી પહેલા મગાલાએ રાહુલને આઉટ કરીને પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ વિકેટ ઝડપી હતી. રાહુલે 79 બોલમાં ચાર ચોગ્ગા સાથે 55 રન ફટકાર્યા હતા. જ્યારે તબરૈઝ શમશીએ પંતને આઉટ કર્યો હતો. પંતે 71 બોલમાં 10 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 85 રન ફટકાર્યા હતા.

અંતિમ ઓવર્સમાં શાર્દુલ ઠાકુરે કરી આક્રમક બેટિંગ
રિશભ પંત અને રાહુલ આઉટ થયા બાદ શ્રેયસ ઐય્યર અને વેંકટેશ ઐય્યર બેટિંગમાં આવ્યા હતા પરંતુ સાઉથ આફ્રિકન બોલર્સે તેમને આસાનીથી રન નોંધાવવા દીધા ન હતા. શ્રેયસ 11 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે વેંકટેશ 22 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, શાર્દુલ ઠાકુરે અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરી હતી જેને રવિચંદ્રન અશ્વિનનો સાથ મળ્યો હતો. ઠાકુરે 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 40 રન ફટાકર્યા હતા જ્યારે અશ્વિને 23 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સર સાથે 25 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકા માટે તબરૈઝ શમસીએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે સિસાન્ડા મગાલા, એઈડન માર્કરામ, કેશવ મહારાજ અને એન્ડિલ ફેલુકવાયોને એક-એક સફળતા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો