એપશહેર

T20 WC: 'પાકિસ્તાન સામે મેચ પહેલા જ ડરી ગયા હતા ભારતીય ખેલાડીઓ'

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની ઈન્ઝમામ ઉલ હકે જણાવ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતીય ટીમ અત્યંત દબાણમાં હતી

I am Gujarat 26 Nov 2021, 11:24 pm

હાઈલાઈટ્સ:

  • ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતને 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
  • ઈન્ઝમામ ઉલ હકનું કહેવું છે કે ટોસ અગાઉ જ ભારતીય ટીમ અત્યંત દબાણમાં આવી ગઈ હતી
  • ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat babar azam6
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની ઈન્ઝમામ ઉલ હકે જણાવ્યું છે કે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ અગાઉ જ ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા. ટી20 વર્લ્ડ કપમાં સુપર-12માં ભારતનો પ્રથમ મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાની ટીમ સામે હતો. જેમાં પાકિસ્તાને 10 વિકેટે વિજય નોંધાવ્યો હતો. વન-ડે કે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ પ્રથમ પરાજય હતો.
ભૂતપૂર્વ સુકાની ઈન્ઝમામ ઉલ હકે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સામેની મેચના ઘણા સમય પહેલા ભારતીય ખેલાડીઓ ડરેલા જોવા મળતા હતા. તેણે કહ્યું હતું કે, ટોસ વખતે વિરાટ કોહલી અને બાબર આઝમના ઈન્ટરવ્યુ વખતે જ જો તમે તેમની બોડી લેંગ્વેજ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે કોણ વધારે દબાણમાં હતું. ભારતીય ખેલાડીઓ કરતા પાકિસ્તાની ખેલાડીઓની બોડી લેંગ્વેજ વધારે સારી હતી. એવું ન હતું કે રોહિત શર્મા આઉટ થયા બાદ ભારત દબાણમાં આવી ગયું હતું, રોહિત શર્મા પોતે જ દબાણમાં હતો.

પાકિસ્તાન સામે પરાજય બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ત્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો જે બાદમાં ચેમ્પિયન બન્યું હતું.

ઈન્ઝમામે કહ્યું હતું કે, ભારતીય ટીમ જે રીતે રમતી હતી તેવી રીતે રમી ન હતી. ટી20માં ભારત ઘણી મજબૂત ટીમ છે તેમાં કોઈ જ શંકા નથી. તમે તેના છેલ્લા 2-3 વર્ષના પ્રદર્શન પર નજર કરશો તો ખ્યાલ આવશે કે તે ટી20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર ટીમ હતી. પરંતુ ભારત-પાકિસ્તાનની મેચે તેમના પર ઘણું દબાણ લાવી દીધું હતું. પાકિસ્તાન સામે તેમના પગ પણ બરાબર ચાલ્યા ન હતા.

પાકિસ્તાન સામે પરાજય બાદ તેમની ઘણી જ ટીકાઓ કરવામાં આવી હતી અને બીજી મેચ અગાઉ તેમની પાસે 3-4 દિવસ હતા. પરંતુ ભારતીય ખેલાડીઓ સેન્ટનર અને ઈશ સોઢીનો પણ સામનો કરી શક્યા ન હતા. ભારતીય ખેલાડીઓ સ્પિન સામે સારું રમે છે પરંતુ તેઓ દબાણમાં આવી ગયા હતા, તેમ ઈન્ઝમામે ઉમેર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો