એપશહેર

વિમેન્સ U-19 WC: શ્વેતા અને શેફાલીનો ઝંઝાવાત, સાઉથ આફ્રિકા સામે ભારતનો આસાન વિજય

ઓપનર બેટર શ્વેતા સેહરાવતના અણનમ 92 રન અને કેપ્ટન શેફાલી વર્માના 16 બોલમાં 45 રનની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ અંડર-19 ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિજયી શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ભારત સામે 167 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

Edited byચિંતન રામી | I am Gujarat 14 Jan 2023, 11:18 pm
ઓપનર બેટર શ્વેતા સેહરાવતના અણનમ 92 રન અને કેપ્ટન શેફાલી વર્માના 16 બોલમાં 45 રનની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ અંડર-19 ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિજયી શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ભારત સામે 167 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ભારત માટે શેફાલી અને સેહરાવતે સાત ઓવરમાં 77 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે 51 ટી20, બે ટેસ્ટ અને 21 વન-ડે રમી ચૂકેલી શેફાલી શાનદાર ફોર્મમાં જોવા મળી હતી.
I am Gujarat shefali2


તેણે સાઉથ આફ્રિકન બોલર્સ સામે લાજવાબ બેટિંગ કરી હતી અને તેમની ધોલાઈ કરી હતી. પોતાની ઈનિંગ્સ દરમિયાન તેણે નવ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. શેફાલી આઠમી ઓવરમાં સ્પિનર મિયાને સ્મિટના બોલ પર આઉટ થઈ હતી. જ્યારે સેહરાવતે 57 બોલની પોતાની ઈનિંગ્સમાં 20 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 21 બોલ બાકી રાખતાં ભારતને વિજય સુધી પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ભારત માટે ત્રિશાએ 10 અને સૌમ્યા તિવારીએ 10 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 16.3 ઓવરમાં 170 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

શેફાલીએ બોલિંગમાં પણ કમાલ કરતા બે વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા માટે સિમોન લોરેન્સે 44 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જ્યારે ઈલોન્ડ્રી જાન્સે વાન રેન્સબર્ગે 13 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. સ્પિનર સોનમ યાદવે રેન્સબર્ગને વિકેટ પાછળ રિચા દોષના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ શેફાલીએ ઓલુહલે સિયોને પેવેલિયન ભેગી કરી હતી. લોરેન્સ 17મી ઓવરમાં રન આઉટ થઈ ત્યારબાદ યજમાન ટીમની રન ગતિ પર નિયંત્રણ આવી ગયું હતું. એક સમયે સાઉથ આફ્રિકા મોટો સ્કોર નોંધાવશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ અંતે ટીમે પાંચ વિકેટે 166 રન નોંધાવ્યા હતા.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story