એપશહેર

IPL: ચેન્નઈ આજે દિલ્હી સામે વિજયકૂચ જારી રાખવાના ઈરાદે રમશે

આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે શારજાહમાં મુકાબલો, પ્રસારણ રાત્રે 7.30થી

I am Gujarat 17 Oct 2020, 4:28 pm
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝન અડધી પૂરી થઈ ગઈ છે અને જેમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન વિરોધાભાસી રહ્યું છે. દિલ્હી 12 પોઈન્ટ ધરાવે છે તો ચેન્નઈ પાસે 8 પોઈન્ટ છે. ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ત્રીજો વિજય નોંધાવીને ચેન્નઈ ટીમે વિજયી લય મેળવી લીધી છે અને આજે દિલ્હી સામે તેનો મુકાબલો થશે ત્યારે ધોનીસેના આ વિજયીલય જારી રાખવાના ઈરાદે રમશે. શારજાહમાં રમાનારી મેચનું પ્રસારણ રાત્રે 7.30 કલાકથી થશે.
I am Gujarat CSK DC


દિલ્હીની ટીમ સ્ટાર ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. સ્પિનર અમિત મિશ્રા અને ઝડપી બોલર ઈશાન્ત શર્મા ટુર્નામેન્ટની બહાર થઈ ગયા છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત પણ ચેન્નઈ સામે રમશે કે નહીં તે હજી શંકાસ્પદ છે. પોતાની અંતિમ મેચમાં દિલ્હીએ રાજસ્થાન રોયલ્સ સામે વિજય નોંધાવ્યો હતો. દિલ્હી માટે સારી વાત એ છે કે તેના સ્ટાર ઓપનર શિખર ધવને પોતાની લય મેળવી લીધી છે.

જોકે, દિલ્હીની ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂત દેખાઈ રહી છે. ભલે ઈશાન્ત અને મિશ્રા બહાર થઈ ગયા હોય પરંતુ ટીમ પાસે કાગિસો રબાડા અને એનરિચ નોર્ટજે જેવા સ્ટાર ઝડપી બોલર છે આ ઉપરાંત સ્પિન વિભાગમાં અક્ષર પટેલ અને અનુભવી રવિચંદ્રન અશ્વિન છે. આ ટીમનું બોલિંગ આક્રમણ ઘણું જ મજબૂત છે. જ્યારે બેટિંગમાં ધવન, પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ ઐય્યર છે. અજિંક્ય રહાણેને તક આપવામાં આવી હતી પરંતુ તે અપેક્ષા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી.

બીજી તરફ ચેન્નઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને ટુર્નામેન્ટ અડધી થઈ હોવા છતાં તે પોઈન્ટ ટેબલમાં ટોપ-4ની બહાર છે. ટીમ તેનું યોગ્ય કોમ્બિનેશન શોધી રહી છે અને હૈદરાબાદ સામેની મેચનું પ્રદર્શન જોતાં તેણે યોગ્ય કોમ્બિનેશન મેળવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. હૈદરાબાદ સામે તેના સ્ટાર ખેલાડીઓએ તેમની પાસેથી જેવા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી તેવું પ્રદર્શન કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો