એપશહેર

IPLની કોમેન્ટ્રી માટે મુંબઈ આવેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું નિધન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું કાર્ડિયાક એરેસ્ટથી મુંબઈમાં નિધન થઈ ગયું.

I am Gujarat 24 Sep 2020, 4:41 pm
ક્રિકેટ વર્લ્ડ માટે એક દુઃખી કરનારી ખબર સામે આવી છે. મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જોન્સનું ગુરુવારે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થઈ ગયું. તેમની ઉંમર 59 વર્ષની હતી. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હાલની સીઝનને લઈને સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રી ટીમ સાથે જોડાયેલા હતા અને મુંબઈમાં હતા. જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે લીગનું આયોજન આ વર્ષે દેશની બહાર સંયુક્ત અરબ અમીરાતમાં કરવામાં આવી રહ્યું છે.
I am Gujarat hones
ડીન જોન્સની તસવીર


કોમેન્ટ્રી માટે મુંબઈમાં હતા
રિટાયરમેન્ટ બાદ તેઓ એક સફળ કોમેન્ટેટરના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા હતા. આ વખતે તેઓ આઈપીએલમાં મુંબઈથી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. જોન્સ આ વખતે આઈપીએલ કોમેન્ટ્રી પેનલનો ભાગ હતા, જેમાં બ્રેટ લી, બ્રાયન લારા, ગ્રીમ સ્વાન અને સ્કોટ સ્ટાયરિસ મુંબઈથી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આઈપીએલની આજે છઠ્ઠી મેચ RCB અને KXIP વચ્ચે રમાવાની છે અને આ પહેલા ક્રિકેટ ફેન્સને આ દુખભરી ખબર મળી છે, જેનાથી તેમનું મન ખૂબ જ દુઃખી છે.

ક્રિકેટ કરિયર અને રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ડીન જોન્સે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 52 ટેસ્ટ અને 164 વન-ડે મેચ રમી. તેમણે ટેસ્ટમાં 46.44ની એવરેજથી રન બનાવ્યા, જ્યારે વન-ડેમાં પણ 44.61ની એવરેજથી બેટિંગ કરતા હતા. ડીન ડોન્સે ટેસ્ટમાં કુલ 11 અને વનડેમાં 7 સદી ફટકારી હતી.

ડીન જોન્સ ઓસ્ટ્રેલિયાને પહેલો વર્લ્ડકપ જીતાડનારી ટીમનો હિસ્સો હતા. 1987ના વર્લ્ડકપમાં ફાઈનલ મેચમાં તેમણે 3 નંબરે બેટિંગ કરતા 33 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 7 રનથી જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

IPLની વાત કરીએ તો આ વર્ષે તેનું આયોજન UAEમાં કરવામાં આવ્યું છે. જે માટે તમામ ટીમો ખાસ સુરક્ષા સાથે ત્યાં પહોચી છે. જોકે કોમેન્ટેટર્સ દેશમાંથી જ કોમેન્ટ્રી કરી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો