એપશહેર

IPL એલિમિનેટરઃ આજે બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે કરો યા મરોનો જંગ

આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જે ટીમ હારશે તે ટુર્નામેન્ટની બહાર, મેચનું પ્રસારણ રાત્રે 7.30થી

I am Gujarat 6 Nov 2020, 4:40 pm
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનના પ્લેઓફ રાઉન્ડમાં આજે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જંગ જામશે. બંને ટીમો માટે આ મેચ કરો યા મરો સમાન રહેશે કેમ કે આ મેચમાં હારનારી ટુર્નામેન્ટની બહાર થઈ જશે. જ્યારે વિજેતા ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં પરાજયનો સામનો કરનારી ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સ સામે બીજી ક્વોલિફાયર મેચમાં ટકરાશે. હૈદરાબાદ અને બેંગલોરનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી તેવામાં આ મુકાબલો રોમાંચક બની રહેશે. મેચનું પ્રસારણ રાત્રે 7.30 કલાકથી થશે.
I am Gujarat eliminators


અડધી ટુર્નામેન્ટ પૂરી થઈ ત્યાં સુધી વિરાટ કોહલીની ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. ટીમ આસાનીથી પ્લેઓફમાં પ્રવેશ કરી લેશે તેવું લાગી રહ્યું હતું. જોકે, બાદમાં ટીમનું પ્રદર્શન કથડ્યુ હતું અને ટીમને સળંગ ચાર મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેના માટે તેને પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ઉપરાંત પ્લેઓફ માટે તેને અન્ય ટીમોના પરિણામ પર પણ આધાર રાખવો પડ્યો હતો.

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદનું તેનાથી વિરુદ્ધ પ્રદર્શન રહ્યું છે. ખરાબ શરૂઆત બાદ હૈદરાબાદે પુનરાગમન કર્યું હતું. હૈદરાબાદે મહત્વના સમયે ફોર્મ પરત મેળવી લીધું હતું. પાંચમાંથી ચાર મેચમાં વિજય નોંધાવીને હૈદરાબાદે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. હવે અબુધાબીમાં એલિમિનેટરમાં બંને ટીમો આમને સામને થશે ત્યારે ફોર્મ અને પ્રદર્શન હૈદરાબાદના પક્ષમાં રહેશે પરંતુ કોહલીની ટીમ પણ આ વખતે ટાઈટલ જીતવા માટે પ્રતિબદ્ધ હોવાથી તેને બેંગલોર તરફથી પડકારનો સામનો કરવો પડશે.

હૈદરાબાદ અત્યાર સુધી બે વખત આઈપીએલ ચેમ્પિયન રહ્યું છે. જ્યારે બેંગલોર હજી સુધી એક પણ ટ્રોફી જીતી શક્યું નથી. હૈદરાબાદ સામે બેંગલોરનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહેશે તો તેના મિડલ ઓર્ડર પર દબાણ આવશે. બેંગલોરનો મિડલ ઓર્ડર નબળો દેખાઈ રહ્યો છે. બેંગલોરની સરખામણીમાં હૈદરાબાદનું બોલિંગ આક્રમણ પણ મજબૂત દેખાઈ રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો