એપશહેર

IPL: બુમરાહ-બોલ્ટના તરખાટ બાદ કિશનનો ઝંઝાવાત, મુંબઈએ દિલ્હીને કચડ્યું

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને યથાવત, કિશનના અણનમ 72 રન

I am Gujarat 31 Oct 2020, 6:48 pm
ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહની ઝંઝાવાતી બોલિંગ બાદ ઈશાન કિશનની તોફાની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે દુબઈ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 9 વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો છે. આ વિજય સાથે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને યથાવત રહ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા હજી પણ જીવંત છે. મુંબઈએ ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, દિલ્હીની બેટિંગ નિરાશાજનક રહી હતી અને તેણે મુંબઈ સામે 111 રનનો આસાન લક્ષ્યાંક મૂક્યો હતો. જેને ઈશાન કિશને વધારે આસાન બનાવી દીધો હતો. તેની અડધી સદીની મદદથી મુંબઈએ 14.2 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. અગાઉ દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટે 110 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
I am Gujarat Mumbai indians


ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદી
111 રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી મુંબઈ માટે ઓપનર ઈશાન કિશને તોફાની બેટિંગ કરી હતી. સાથી ઓપનર ક્વિન્ટન ડીકોક સાથે મળીને તેણે 68 રનની ભાગીદારી નોંધાવી હતી. ડીકોક 28 બોલમાં બે ચોગ્ગા સાથે 26 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ઈશાન કિશન અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે દિલ્હીના બોલર્સની ચોમેર ધોલાઈ કરી હતી. ઈશાન કિશને 47 બોલમાં 72 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં આઠ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 11 બોલમાં એક ચોગ્ગા સાથે 12 રન નોંધાવ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી માટે એકમાત્ર વિકેટે એનરિચ નોર્ટજેએ ઝડપી હતી.

બુમરાહ અને બોલ્ટના ઝંઝાવાત સામે દિલ્હી ઘૂંટણીયે
અગાઉ મુંબઈના કેપ્ટન કેઈરોન પોલાર્ડે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, દિલ્હીની બેટિંગ ઘણી જ નિરાશાજનક રહી હતી. ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ સામે દિલ્હીના બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા. આ બંનેની ઝંઝાવાતી બોલિંગનો સામનો કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ખરાબ શરૂઆત બાદ દિલ્હીએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે તે મોટો સ્કોર કરી શક્યું ન હતું.

દિલ્હી માટે કેપ્ટન શ્રેયસ ઐય્યરે સૌથી વધુ 25 રન નોંધાવ્યા હતા જ્યારે રિશભ પંતે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય પૃથ્વી શો 10 અને શિમરોન હેતમાયર 11 તથા અશ્વિને 12 રનનું યોગદાન આપ્યું હતું. શાનદાર ફોર્મમાં રમી રહેલો શિખર ધવન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે જસપ્રિત બુમરાહે પણ ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત કોલ્ટર-નાઈલ અને રાહુલ ચાહરને એક-એક સફળતા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો