એપશહેર

IPL: ઋતુરાજ ગાયકવાડની અડધી સદી, બેંગલોર સામે ચેન્નઈનો વિજય

ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આઠ વિકેટે પરાજય આપ્યો, ગાયકવાડના અણનમ 65 રન

I am Gujarat 25 Oct 2020, 6:54 pm
ઓપનર ઋતુરાજ ગાયકવાડની અડધી સદી તથા અંબાતી રાયડૂની મહત્વની ઈનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનમાં ચેન્નઈનો 12 મેચમાં આ ચોથો વિજય છે. રવિવારે દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 145 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈએ 18.4 ઓવરમાં બે વિકેટે 150 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
I am Gujarat CSK20


146 રનના ટારગેટ સામે ચેન્નઈએ શાનદાર શરૂઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડીએ 5.1 ઓવરમાં 45 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમના વિજયનો પાયો નાંખ્યો હતો. ગાયકવાડ અણનમ રહ્યો હતો. તેણે 51 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 65 રન નોંધાવ્યા હતા. જ્યારે ડુ પ્લેસિસ 13 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 25 રન નોંધાવીને આઉટ થયો હતો.

અંબાતી રાયડુએ પણ મહત્વની ઈનિંગ્સ રમી હતી. રાયડુએ 27 બોલમાં 39 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 21 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 19 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. બેંગલોર માટે ક્રિસ મોરિસ અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.

અગાઉ કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદી તથા એબી ડી વિલિયર્સની મહત્વની ઈનિંગ્સની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 145 રનનો સ્કોર નોંધાવ્યો હતો. કોહલીએ 50 રનની ઈનિંગ્સ રમી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરે મક્કમ શરૂઆત કરી હતી. દેવદત્ત પડિક્કલ અને એરોન ફિંચની ઓપનિંગ જોડી મેદાનમાં આવી હતી. એરોન ફિંચ 15 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે પડિક્કલે 21 બોલમાં 22 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, બાદમાં એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી.

આ જોડીએ 82 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સ સેટ થઈ ગયા બાદ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. તેણે 36 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 39 રન ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 43 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સર સાથે 50 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, અંતિમ ઓવર્સમાં ટીમે ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. ચેન્નઈ માટે સેમ કરને ત્રણ, દીપક ચાહરે બે તથા મિચેલ સેન્ટનરે એક વિકેટ ઝડપી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો