એપશહેર

IPL: પ્લેઓફની અનિશ્ચિતતા વચ્ચે આજે દિલ્હી અને બેંગલોર વચ્ચે જંગ

આઈપીએલ-13ની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા દિલ્હી અને બેંગલોરે આજે જીતવું જરૂરી

I am Gujarat 2 Nov 2020, 4:36 pm
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનનો લીગ રાઉન્ડ પૂરો થવામાં હવે ફક્ત બે જ મેચ બાકી રહી છે તેવામાં પ્લેઓફમાં કઈ ટીમો રમશે તે નક્કી નથી. મુંબઈ ઈન્ડિયન્સ 18 પોઈન્ટ સાથે ટોચ પર છે અને તે પ્લેઓફમાં પહોંચી ગયું છે. પરંતુ બાકીના ત્રણ સ્થાનમાં કઈ ટીમો હશે તે નક્કી નથી. તેવામાં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર આમને સામને થશે ત્યારે બંને ટીમો વિજય નોંધાવાનો લક્ષ્યાંક રાખશે. જે ટીમ હારશે તેની સામે ખતરો વધી જશે.
I am Gujarat DC9


બેંગલોર પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પાસે પણ 14 પોઈન્ટ છે. જોકે, રન રેટના કારણે દિલ્હી ત્રીજા ક્રમે છે. આ બંને ટીમની રન રેટ માઈનસમાં છે જ્યારે પાંચમાં ક્રમે રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની નેટ રન રેટ પ્લસમાં છે. તેવામાં જો સનરાઈઝર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનારી અંતિમ લીગ મેચમાં વિજય નોંવશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા વધારે મજબૂત બની જશે. જ્યારે દિલ્હી અને બેંગલોર વચ્ચે રમાનારી મેચમાં પરાજયનો સામનો કરનારી ટીમની મુશ્કેલીઓ વધી જશે.

બેંગલોરના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ જોવા મળ્યો છે. શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે 120 રનનો જ સ્કોર નોંધાવ્યો હતો અને તેને પાંચ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ તેનો સળંગ ત્રીજો પરાજય હતો. તેથી દિલ્હી જેવી મજબૂત ટીમ સામે તેણે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. હૈદરાબાદ સામેના પરાજય બાદ સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે સળંગ ત્રણ મેચ ગુમાવવી ઘણી ભયાનક લાગણી છે. પરંતુ આ જ આઈપીએલ છે જ્યાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તમે સળંગ ત્રણ મેચ હારો છો તો સળંગ ત્રણ મેચ જીતી પણ શકો છો.

તેમણે કહ્યું હતું કે દિલ્હી સામેની મેચ અમારા માટે ઘણી મહત્વની રહેશે અને બેંગલોરે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. બેંગલોરમાં ડી વિલિયર્સ અને કેપ્ટન વિરાટ કોહલી જેવા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે તથા દેવદત્ત પડિક્કલ જેવો ઈન ફોર્મ યુવાન ઓપનર પણ છે. જોકે, તેમ છતાં ટીમ હૈદરાબાદ સામે મોટો સ્કોર નોંધાવી શકી ન હતી.

બીજી તરફ દિલ્હી કેપિટલ્સે શરૂઆતમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ કેટલીક મેચોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. દિલ્હી પાસે બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂત ખેલાડીઓ છે. જોકે, ઓપનર પૃથ્વી શો આ ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી દેખાવ કરી શક્યો નથી. જ્યારે આઈપીએલમાં સળંગ બે સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવનારો ઓપનર શિખર ધવન છેલ્લી ત્રણ મેચમાં કમાલ કરી શક્યો નથી. બોલિંગમાં ટીમ પાસે કાગિસો રબાડા અને એનરિચ નોર્ટજે છે. કેપ્ટન શ્રેયસ ઐય્યર અને વિકેટકીપર રિશભ પંતે પણ જવાબદારીપૂર્વક રમવું પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો