એપશહેર

ધોની-જાડેજાની 'વિરુદ્ધ' બોલવું માંજરેકરને મોંઘું પડ્યું, કૉમેન્ટ્રી પેનલમાંથી બહાર!

Shailesh Thakkar | I am Gujarat 30 Jul 2019, 5:39 pm
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે. 3 ઑગસ્ટથી શરૂ થઈ રહેલા આ પ્રવાસમાં ભારત-વિન્ડીઝ ત્રણ ટી20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝમાં સિલેક્ટર્સે યુવા અને અનુભવીઓના મિશ્રણવાળી ટીમનો મોકલી છે. આ પ્રવાસના ઑફિશિયલ બ્રૉડકાસ્ટર સોની પિક્ચર્સે પોતાની કૉમેન્ટ્રી પેનલની ઘોષણા કરી દીધી છે અને ચોંકાવનારી વાત એ છે કે, તેમાં સંજય માંજરેકરને સ્થાન આપવામાં આવ્યું નથી. આ પ્રવાસ દરમિયાન સુનીલ ગાવસ્કર અને વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટર્સ કૉમેન્ટરી કરશે પણ માંજરેકરના હાથમાં માઈક દેખાશે નહીં. ઉલ્લેખનીય છે કે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સંજય માંજરેકરે રવીન્દ્ર જાડેજાને લગતી અણછાજતી કૉમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘જાડેજા એક અપૂર્ણ ખેલાડી છે અને હું મારી ટીમમાં આવા ખેલાડીને ક્યારેય ન સમાવું’ બાદમાં જાડેજા આના પર ભડકી ગયો હતો અને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું ભારત માટે તમારા બમણી મેચો રમ્યો છું અને હજુ રમી રહ્યો છું. કોઈને આદર આપતા શીખો.’ બાદમાં આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું અને સેમિ ફાઈનલમાં જાડેજાની શાનદાર ઈનિંગ બાદ માંજરેકરની ખૂબ ઝાટકણી થઈ હતી અને તેણે માફી પણ માગી હતી. આ ઉપરાંત સંજયે પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ધોની વિશે પણ ઘણા વિવાદિત નિવેદનો કર્યા હતા. તે વારંવાર ધોનીની ફિટનેસ અને તેની ધીમી બેટિંગની આલોચના કરતો જોવા મળ્યો. આવામાં અટકળો એવી લાગી રહી છે કે, કદાચ આ જ કારણોસર તેને કૉમેન્ટ્રી પેનલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ અગાઉ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝમાં સંજય સોનીની કૉમેન્ટ્રી પેનલમાં હતો. ભારત અને વિન્ડીઝ વચ્ચેની ટી20, વન-ડે અને ટેસ્ટ શ્રેણીઓ દરમિયાન સોનીની ઈંગ્લિશ કૉમેન્ટ્રી પેનલમાં સર વિવિયન રિચર્ડ્સ, ગ્રીમ સ્વૉન, સુનીલ ગાવસ્કર, મુરલી કાર્તિક, ડેરેન ગંગા અને ઈયાન બિશપ છે. બીજી તરફ અજય જાડેજા, મોહમ્મદ કૈફ, વિવેક રાઝદાન અને આશીષ નેહરા હિન્દીમાં કૉમેન્ટરી કરશે. ગૌરવ કપૂર અને અર્જુન પંડિત મેચના પ્રી અને પોસ્ટ પ્રોગ્રામ હોસ્ટ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો