એપશહેર

MS Dhoniએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અત્યારે જ કેમ સંન્યાસ લીધો? આ છે મોટું કારણ!

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2019ના વર્લ્ડકપમાં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. એક વર્ષ બાદ નિવૃત્તિની જાહેરાત પાછળનું કારણ સુનિલ ગાવસ્કરે જણાવ્યું.

I am Gujarat 16 Aug 2020, 8:45 am
ભારતીય ક્રિકેટ ટીમને દુનિયામાં નવી ઉંચાઈ પર લઈ જનારા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ધોનીએ કેપ્ટન તરીકે ભારતને વર્ષ 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં ક્રિકેટ વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી હતી. ભારતે ધોનીની કેપ્ટનશીપમાં જેટલી સફળતા મેળવી છે કદાચ જ અન્ય કોઈ ભારતીય કેપ્ટન પાસે આટલો મોટો રેકોર્ડ હોય. ધોનીના રિટાયરમેન્ટની જાહેરાતથી એક તરફ તેના ફેન્સ ઉદાસ થયા છે, તો બીજી તરફ એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ સમયમાં ધોનીએ સંન્યાસ લેવાની જાહેરાત કેમ કરી?
I am Gujarat why ms dhoni retires from international cricket now heres the reason
MS Dhoniએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અત્યારે જ કેમ સંન્યાસ લીધો? આ છે મોટું કારણ!



ભારતને મોટી ટ્રોફી જીતાડવાની હતી ઈચ્છા

મહેન્દ્રસિંહ ધોની ઈચ્છતો હતો કે ભારતને એક મોટી ટ્રોફી જીતાડીને સંન્યાસ લેવાની જાહેરાત કરે. આ માટે તે ટી-20 વર્લ્ડકપની પણ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોરોના વાયરસે તેના તમામ પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું. ટી-20 વર્લ્ડકપ ટાળી દેવાયો અને ધોની જે રીતે ક્રિકેટમાંથી રીટાયર્ડ થવા ઈચ્છતો હતો તે ન થઈ શક્યું.

સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

ધોનીના સંન્યાસની જાહેરાત પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, ધોની લાંબા સમયથી આઈપીએલ ટી-20 ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હતા. કોરોના ન હોત તો કદાચ માર્ચ-એપ્રિલમાં જ આઈપીએલ રમાઈ હોત. આઈપીએલમાં તેનું સારું પરફોર્મન્સ ટી-20 વર્લ્ડકપના દરવાજા પણ ખોલી દેત. ધોનીની ઈચ્છા હતી કે તે ભારતને આગામી ટી-20 વર્લ્ડકપ જીતાડ્યા બાદ સંન્યાસની જાહેરાત કરે. પણ ઘણીવાર કેટલીક બાબતો આપણા હાથમાં નથી હોતી. કોરોના વાયરસે બધુ બરબાદ કરી દીધું.

કોરોનાના કારણે અધૂરું રહી ગયું ધોનીનું સપનું?

ગાવસ્કરે આગળ કહ્યું કે, કોરોનાની મહામારીને લઈને જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા લાગે છે કે ટી-20 વર્લ્ડકપ હવે આગલા વર્ષે જ થઈ શકશે. ધોનીને ખબર હતી કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જશે. ધોની જે રીતે ક્રિકેટને અલવિદા કહેવા ઈચ્છતો હતો, તે શક્ય થતું નજર નથી આવી રહ્યું. આ જ કારણે તેણે એકાએક સંન્યાસની જાહેરાત કરી દીધી.

સુરેશ રૈનાએ પણ લીધો સંન્યાસ

ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સંન્યાસની જાહેરાત કર્યાની થોડી જ મિનિટોમાં ટીમ ઈન્ડિયાના ડાબોડી બેટ્સમેન સુરેશન રૈનાએ પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. આમ એકસાથે બે દિગ્ગજ ખેલાડીઓના સંન્યાસની જાહેરાતથી ક્રિકેટ ફેન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો