એપશહેર

આજે દેવ દિવાળી, ગંગા કિનારે સર્જાશે કંઈક આવો અદભૂત નજારો

I am Gujarat 12 Nov 2019, 3:32 pm
દિવાળી અને દેવ દિવાળી એ બંને એકબીજા કરતા ઘણા અલગ પર્વો છે. બંનેની ઉજવણી પ્રકાશના પર્વ તરીકે થાય છે પરંતુ વારાણસીમાં દેવ દિવાળીના દિવસે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય તેવો સુંદર નજારો જોવા મળે છે. દેવ દિવાળીને શિવજીના ત્રિપુરાસુર પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પછી ઉજવાતા આ તહેવારને ત્રિપુરોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ તહેવારમાં દેવતાઓ ગંગામાં દીવો પ્રગટાવવા માટે પૃથ્વી પર ઉતરતા હોવાની માન્યતા છે. તે માતા ગંગાને પ્રાર્થના કરે છે, ફૂલ ચડાવે છે અને કોડિયામાં દીવા કરે છે. ગંગાજીને દીવા ચડાવવાની પ્રક્રિયાને દીપદાન તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યાસ્ત થાય એટલે વારાણસી ઘાટના દરેક પગથિયા પર હજારો દીવા પ્રજ્વલિત થઈ ઊઠે છે. આ દૃશ્ય એટલું સુંદર લાગે છે કે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યું હોય. આ દિવસે વારાણસીના બધા જ મંદિરોને પણ દીવા અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે.
તમે જો દેવ દિવાળીમાં વારાણસી જશો તો આ અનુભવ જીવનભર ભૂલી નહિ શકો. આ દિવસે આખુ શહેર વિવિધ રંગો અને પ્રકાશિત દીવાઓથી જાણે જીવંત થઈ ઊઠે છે. એવું લાગે છે કે શહેરને સુંદર બનાવવા જાણે આકાશના તારા તૂટીને શહેરમાં પડ્યા છે. અહીંના લોકો ધામધૂમથી દેવ દિવાળી ઉજવે છે. આ દિવસે ગંગામાં ડૂબકી મારવાનું મહત્વ છે. તેને કાર્તિક સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે ગંગા માતાને દીવો અર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી વારાણસીના ઘાટ પર પ્રચલિત ગંગા આરતી થાય છે. યાત્રાળુઓ, પ્રવાસીઓ આ દિવસે વારાણસીની સુંદરતા જોવા ઉમટી પડે છે.
આ દિવસે વારાણસીના લોકો શહીદોને પણ યાદ કરે છે. ગંગા સેવા નિધિ એક કાર્યક્રમનું આયોજન કરે છે. તેમાં દશાશ્વમેઘ ઘાટ પર અમર જવાન જ્યોતિ મૂકવામાં આવે છે. તેની ક્લોઝિંગ સેરેમનીમાં ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ભાગ લે છે. પછીથી ભગીરથ શૌર્ય સમ્માન એવોર્ડ પણ આપવામાં આવે છે.
જો તમે દેવ દિવાળીનો જાદુ અનુભવવા માંગતા હોવ તો દિવાળીના અરસામાં વારાણસીની ટ્રિપ પ્લાન કરો. આ અરસામાં અહીં બધી હોટેલ બુક થઈ જાય છે. આથી મહિનાઓ પહેલાથી હોટેલ બુક કરાવી દેજો. અહીં ઘાટ પર વિવિધ રંગો અને હજારો લોકોને દીવા પ્રગટાવતા જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે. આ ગાળામાં હોડી ચલાવનારા નાવિકોને પણ સારી એવી બક્ષિસ મળે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો