એપશહેર

કપલ્સ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે આસામનું આ શહેર 'સિટી ઓફ લવ'

Mitesh Purohit | I am Gujarat 25 Apr 2018, 12:10 pm
I am Gujarat why tejpur from assam called as city of love ferry tell story behind it
કપલ્સ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે આસામનું આ શહેર 'સિટી ઓફ લવ'


અહીં પહોંચીને તમે બંને વધુ રોમેન્ટિક બની જશો

નોર્થ-ઈસ્ટ ઇન્ડિયા આમ તો ફરવાનો શોખ ધરાવતા ન હોય તેવા લોકને પણ પોતાની સુંદરતાથી આકર્ષીત કરે તેવું છે. તેમાં પણ કપલ્સ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ગણાતું અને લીચીઓના બગીચાથી ઘેરાયેલ શહેર તેજપુર એક ખાસ જગ્યા છે. અહીં પ્રવાસ કર્યા બાદ તમારો રોમાન્સ ચોક્કસ વધી જશે. આ શહેરની હવા જ એવી છે કે જે તમને બંનેને એકબીજાની વધુ નજીક લાવશે અને કદાચ એટલા માટે જ તેને ભારતનું ‘સિટી ઓફ લવ’ કહેવાય છે.

સિટી ઓફ લવ કહેવાય છે આ શહેરને

આસામની રાજધાની ગૌહાટીથી લગભગ 180 કિમી દૂર આવેલ તેજપુર ખળખળ વહેતી વિશાળ બ્રહ્મપુત્રા નદીના કીનારે આવ્યું છે. આ શહેરના આસામની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. મંદિર, ઘાટ, અને હજારો વર્ષો જૂની સ્થાપત્ય કળાના અવશેષ માટે જાણીતું આ શહેર આસામનું પાંચમું સૌથી મોટું શહેર પણ છે. અરુણાચલ અને આસામની બોર્ડર પર વસેલું આ શહેર દેશના રહેવા લાયક શહેરોના ટોચ લિસ્ટમા જગ્યા મેળવે છે.

એક સમય આવ્યો કે આખું શહેર ખાલી કરવું પડ્યું હતું

1962ના ભારત-ચીન યુદ્ધ સમયે કામેંગ સેક્ટરથી ભારતીય સેના ચીનના આક્રમણ સામે વામણી પુરવાર થઈ અને પીછેહટ કરવી પડી હતી. તેજપુરમાં આ સમાચાર ફેલાતા જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો અને પોતાના જાન-માલની સુરક્ષા માટે લોકોએ તાત્કાલિક શહેર છોડીને બ્રહ્મપુત્રા નદીની કિનારે ભાગવાનું શરુ કરી દીધુ હતું જેથી ત્યાંથી બોટ દ્વારા અન્ય સુરક્ષિત વિસ્તારોમાં પહોંચી શકે. આ દરમિયાન અનેક લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં કિંમતી વસ્તુઓ અને ધનસંપત્તિ શહેરની વચ્ચે આવેલ તળાવમાં જ ફેંકી દીધી હતી.

સાંસ્કૃતિક વારસો

આસામના ત્રણ જાણિતા સાંસ્કૃતિક ચહેરા પણ તેજપુરના જ નિવાસી છે. જેમાં દેશભરમાં પોતાના ગીત ‘આમી એક જાજાબર’ અને ‘દિલ હૂમ-હૂમ કરે’ દ્વારા નામના મેળવનાર જાણીતા સંગીતકાર અને લેખત ભૂપેન હજારિકા પણ અહીંના જ છે.

મન મોહી લેશે પદુમ પોખરી લેક

શહેરમાં આવેલ પદુમ પોખરી તળાવ તેની સુંદરતા અને નયનરમ્યતાના કારણે તમારું મન મોહી લેશે. આ તળાવની વચ્ચોવચ્ચ એક ખૂબ જ સુંદર ટાપુ પણ આવેલ છે. આ ટાપુને હવે પાર્કમાં ફેરવી નાખવામાં આવ્યો છે. આસામી ભાષામાં પદુમ એટલે કે કમળ અને પોખરી એટલે તલાળ થાય છે. માટે જ તેનું બીજુ ઉપનામ કમળ તળાવ પણ છે. ઉપરાંત શહેરની વચ્ચે બીજુ એક તળાવ પણ છે જેને બોર પોખરી કહે છે. આ બંને તળાવ અહીંના રાજા બાણ અને તેની દીકરી ઉષાના સ્મૃતિ-ચિન્હ તરીકે માનવામાં આવે છે. તળાવથી ટાપૂ સુધી જવા માટે લોખંડનો પૂલ બનાવામાં આવ્યો છે. પરંતુ જો તમે અહીં આવો તો તળાવ ફરતે ટ્રોય ટ્રેનમાં ફરવાનું અને પેડલ બોટિંગની મજા માણવાનું ન ભૂલવું જોઈએ. આ ટાપૂ પર એક મ્યુઝિકલ ફાઉન્ટેન શો પણ કરવામાં આવે છે.

કંઇક અલગ જ છે અહીંની લીચીનો સ્વાદ

લીચી તો તમે ઘણી ખાધી હશે પરંતુ તેજપુર ગયા હોવ અને અહીંની લીચી ન ખાધી તો શું ફરવા ગયા તેવી વાત છે. અહીંની લીચી દેશમાં જ નહીં વિદેશમાં પણ તેટલી જ માગ છે. આ કારણે જ તેજપુરની લીચીને GI ટેગ પણ મળ્યું છે. આ સાથે જ લીચી મૂળ સ્વરુપે અહીંનું જ ઉત્પાદન હોવાનું હવે દુનિયા ભરમાં સ્થાપિત થઈ ચૂક્યું છે.

અહીંથી જઈ શકશો અરુણાચલ

અહીં તમારા રોમાન્સને જગાવ્યા બાદ તેને વધુ ઉંચાઈએ લઈ જવા માટે અહીંથી જ અરુણાચલના મુખ્ય પર્યટન સ્થળો તવાંગ, સેલા પાસ, બોમડીલા અને ઝીરો વેલી જવા માટેનો રસ્તો અહીંથી જ પસાર થાય છે.

નામેરી નેશલન પાર્ક

તમારા રોમાન્સને હાથી અને દુર્લભ રોયલ બેંગોલ ટાઇગરને જોવાના મોકા સાથે વધુ રોમાંચથી પણ ભરી શકો છો. અહીંથી માત્ર 35 કિમી દૂર જ 200 ચો. કિ.માં ફેલાયલ વિશાળ નામેરી નેશનલ પાર્ક છે. અને જો તમે પ્રકૃત્તિ પ્રેમી હોવ તો આ તમારા માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે કેમ કે અહીં પ્રકૃતિના સાનિધ્ય વચ્ચે નેશનલ પાર્કમાં રહેવા માટે અનેક રિસોર્ટ ઉપલબ્ધ છે.

આ માટે કહેવાય છે ‘પ્રેમનું શહેર’

લોક કથાઓ મુજબ આ શહેર ભગવાન શિવની આશિર્વાદ સાથે બાણાસુરે વસાવ્યું હતું. તેમજ તેને પોતાના રાજ્યની રાજધાની પણ ઘોષિત કરી હતી જેની પુત્ર ઉષા ખૂબ સુંદર હતી. જેના કારણે લોકોની નજરથી બચવવા તેણે પોતાની પુત્રીને અહીં એક કિલ્લામાં બંદી બનાવી દીધી હતી. જેના સપનામાં એક પુરુષ આવતા પોતાની મિત્ર ચિત્રલેખાની મદદથી તેણે આ પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા જે વાત બાણાસૂરને ખબર પડતા તેણે આ યુવાનને બંદી બનાવ્યો. હવે આ યુવાન દ્વારકાના રાજા અને ભગવાન કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ હતો. જેને છોડાવવા માટે ભગવાન કૃષ્ણે આક્રમણ કરતા બાણાસૂરે શિવને મદદ માટે પોકાર કર્યો હતો જેના કારણે બંને દેવો વચ્ચે અહીં મહાયુદ્ધ થયું હતું. પ્રેમના કારણે થયેલ યુદ્ધથી અહીંની જમીન લાલ થઈ ગઈ હતી અને શહેર પ્રેમનું શહેર તરીકે ઓળખાવા લાગ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો