એપશહેર

13000 કિમી ઉડીને આવેલા કબૂતરને મારી નાખશે ઓસ્ટ્રેલિયા, જાણો શું છે મામલો?

અમેરિકાથી 13000 કિમીનું અંતર કાપી ઓસ્ટ્રલિયા પહોંચેલા કબૂતરને ઓસ્ટ્રેલિયા મારવાની તૈયારી કરી રહ્યું છે.

I am Gujarat 18 Jan 2021, 3:24 pm
કેનબરા: અમેરિકાથી 13000 કિમીની સફર કરી પહોંચેલા એક રેસિંગ કબૂતરને ઓસ્ટ્રેલિયા મારી નાખવાની તૈયારી કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓને ડર છે કે, આ કૂબતરના આવવાથી તેમના દેશમાં બીમારી ફેલાઈ શકે છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયા હજુ સુધી બર્ડફ્લુથી બચેલું છે, ત્યારે આ કબૂતરના કારણે દેશમાં બર્ડફ્લુ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં પ્રશાંત મહાસાગર પાર કરીને આવેલા કબૂતરને મારવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. 29 ઓક્ટોબરે અમેરિકાના ઓરેગનથી એક રેસ દરમિયાન ગુમ થયેલું આ કબૂતર 26 ડિસેમ્બરે મેલબોર્ન પહોંચ્યું હતું.
I am Gujarat Pigeon in Australia


આ કબૂતર મેલબોર્નના કેવિન સેલી બર્ડને પોતાના ઘરની પાછળના ભાગમાં 26 ડિસેમ્બરે હાંફતું નજરે પડ્યું હતું. મીડિયામાં અહેવાલ આવ્યા બાદ હરકતમાં આવેલા ઓસ્ટ્રેલિયાના ક્વારન્ટાઈ એન્ડ ઈન્સ્પેક્શન સર્વિસે આ કબૂતરને દેશ માટે ખતરો જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ સેલીને ફોન કરી આ કબૂતરને પકડવાનો નિર્દેશ આપ્યો છે. સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા બર્ડ ફ્લુને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ ચિંતા વધી ગઈ છે.

ઘણા તજજ્ઞોને શંકા છે કે, આ કબૂતર કોઈ માલવાહક જહાજની મદદથી પ્રશાંત મહાસાગર પાર કરી ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. આ કબૂતરનું નામ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઈડનના નામ પર 'જો' રખાવમાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા પહોંચતા જ આ કબૂતર અહીંના મીડિયામાં છવાઈ ગયું. ચારે તરફ આ કબૂતરની સાહસિક મુસાફરીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાના કૃષિ વિભાગે એક સ્ટેટમેન્ટ જારી કરી કહ્યું છે કે, આ કબૂતરને અમારા દેશમાં રહેવાની મંજૂરી નથી. લોકોને ડર છે કે, આ એક કબૂતરના કારણે ઓસ્ટ્રેલિયાની ખાદ્ય સુરક્ષા અને પોલ્ટ્રી ઉદ્યોગોની સુરક્ષા ખતરામાં પડી શકે છે. અધિકારીઓએ તો ત્યાં સુધી ચેતવણી આપી દીધી કે, તેનાથી દેશની જૈવ સુરક્ષાને પણ ખતરો ઊભો થઈ શકે છે.

ઘણા રિપોર્ટસમાં એવો દાવો કરાયો છે કે, અત્યાર સુધીમાં કોઈ કબૂતરે કાપેલા અંતર કરતા આ વધારે છે. આ પહેલા કોઈપણ કબૂતરે 13000 કિમીનું અંતર કાપ્યું નથી. કબૂતરપીડિયા ડોટ કોમ મુજબ, કોઈ કબૂતર દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ અંતર કાપવાનો રેકોર્ડ 1931માં નોંધાયો હતો. જેમાં એક કબૂતર ફ્રાંસના અર્રાસથી ઉડીને વિયેતનામના સોઈગાન પહોંચ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો