એપશહેર

અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા માટે ખુશખબર, હવે જલદી નંબર આવશે!

અમેરિકાની સરકારે H-1B અને L-1 વીઝા ધરાવનારાને ગ્રીન કાર્ડ આપવાની ઝડપ વધારી છે, જે ભારતીયોને ફાયદો કરાવી શકે છે.

I am Gujarat 25 Sep 2020, 9:35 pm
અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું એ અમેરિકામાં કામ કરતા દરેક વિદેશીનું સપનું હોય છે. તેમાંય, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ભારતીયોની યાદી તો ઘણી લાંબી છે. જોકે, હવે અમેરિકામાં રહેતા ભારતીયો માટે થોડી રાહત આપતા અહેવાલ મળી રહ્યા છે. અમેરિકાની સરકારે H-1B અને L-1 વીઝા ધરાવનારાને ગ્રીન કાર્ડ આપવાની ઝડપ વધારી છે. હવે, જે કર્મચારીએ 1 જાન્યુઆરી, 2015 પહેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરી હશે તેઓ તેમનું ગ્રીન કાર્ડ મેળવવા ફાઈનલ પ્રોસેસ શરૂ કરી શકશે. અત્યાર સુધી આ તારીખ 1 ફેબ્રુઆરી, 2010 હતી. આમ, અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડ માટે અરજીની પ્રોસેસ હાથમાં લેવામાં પાંચ વર્ષનો ફેરફાર કર્યો છે.
I am Gujarat US Green Card
અમેરિકાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અપાતા ગ્રીન કાર્ડની લિમિટ વાર્ષિક 1,40,000ની છે.


પાંચ વર્ષનો આ ફેરફાર ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને ફાયદો કરાવશે. તેનું મહત્વ સમજવા માટે અમેરિકામાં હાલના ગ્રીન કાર્ડ લેન્ડસ્કેપને સમજવું જરૂરી છે.

અમેરિકાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અપાતા ગ્રીન કાર્ડની લિમિટ વાર્ષિક 1,40,000ની છે. જેમાં EB-1, EB-2, EB-3, EB-4 અને EB-5 એ પાંચ કેટેગરીમાં આપવામાં આવે છે. દરેક દેશના વધુમાં વધુ 7 ટકા કર્મચારીને આ વીઝા આપવામાં આવે છે. તેમાંથી ભારતીયો EB-2 અને EB-3 વધુ લાગુ પડે છે, જેમાં મોટાભાગના H-1B અને L-1 વીઝા હોલ્ડર બંધ બેસે છે.

H-1B અને L-1 વીઝા મેળવનારાઓમાં ભારતીયો સૌથી વધુ છે અને EB-2 (એડવાન્સ્ડ ડિગ્રી હોલ્ડર્સ) અને EB-3 કેટેગરીમાં અમેરિકાના ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોય છે. અમેરિકાની ઈમિગ્રેશન થિંક ટેન્ક CATOના અંદાજ મુજબ, આ કેટેગરીમાં 2019માં અરજી કરનારા ભારતીયોની સંખ્યા 7 લાખની આસપાસ હતી. એનો અર્થ એ છે કે, દર વર્ષે ઘણા ઓછા ભારતીયોને ગ્રીન કાર્ડ મળે છે. રિપોર્ટ મુજબ, એ રીતે જોઈએ તો ભારતીયોને તેમના ગ્રીન કાર્ડ માટે 195 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

ઓક્ટોબરના વીઝા બુલેટિને EB-3 માટે લાગેલી લાઈનને લઈને બે બાબતોમાં ફેરફાર કર્યો છે. એક, EB-3 અંતર્ગત 1 જાન્યુઆરી, 2015 પહેલા જે એલિજેબલ H-1B અને L-1 વીઝા ધારકોની ગ્રીન કાર્ડ માટેની અરજી (I-140) સ્વીકારી લેવાઈ હશે તે I-485 માટે અરજી કરી શકશે. I-485 માટે અરજી એ ગ્રીન કાર્ડના પ્રોસેસ માટેનું ફાઈનલ સ્ટેપ છે. એક વખત I-485 મંજૂર થઈ જાય, પછી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) આપવામાં આવે છે.

EAD હોવાથી ઘણો બધો ફરક પડે છે. તે મળી જાય પછી કર્મચારી કંપની બદલી શકે છે અને અમેરિકા તેમજ અમેરિકાની બહાર કોઈ રોકટોક વિના ફરી શકે છે. ઉપરાંત, ડિપેન્ડન્ટ્સને પણ તેમના EAD મળે છે. H-1B અને H-4 વીઝા હોલ્ડર્સ માટે મોટું ગ્રુપ ચલાવતા નેત્રા ચૌહાણે જણાવ્યું કે, આ ફેરફાર બાદ ગ્રીન કાર્ડ મેળવવામાં (ગ્રીન કાર્ડ માટેની અરજી સ્વીકારી લેવાઈ હોય તેવા કિસ્સામાં) પ્રાયોરિટીના આધાર પર એકથી બે વર્ષ જ લાગશે.

અમેરિકાની મુર્તી લો ફર્મના ઈમિગ્રેશન એટર્ની જોએલ યોનોવિચે કહ્યું કે, 'આ બાબત ઘણા ભારતીયોને, ખાસ કરીને જેમની EB3 કેટેગરીમાં I-140ની અરજી મંજૂર થઈ ગઈ છે તેમના માટે રાહત આપનારી છે.' અન્ય એક ઈમિગ્રેશન એટર્ની કેનલ પોવેલે કહ્યું કે, 'આ નિર્ણયથી ભારતીયોને ઓછી રાહ જોવી પડશે, તેમાંથી કેટલાક તો દાયકાઓથી રાહ જોઈ રહ્યા છે. જો તમે લાઈન તરફ જુઓ તો તે 5થી 15 દિવસ આગળ વધતી હતી. કેટલાક મહિનાનો ફેરફાર પણ લાઈન ઓછી કરવામાં મદદરૂપ થશે.'

બીજી બાબત, EB-2 અને EB-3 કેટેગરીમાં ભારતીયો માટે ઝડપી આગળ વધવાનો સંકેત આપી રહી છે. તેનો અર્થ એ છે કે, આવતા થોડા મહિના માટે ગ્રીન કાર્ડ માટેની લાઈન ઝડપી આગળ વધશે.

2 ઓક્ટોબરથી નવી વિઝા ફી લાગુ પડી રહી છે, ત્યારે નવી ફી લાગુ પડે તે પહેલા H-1B અને L-1 વીઝા હોલ્ડર્સ પાસે અરજી કરવાનો સમય ઓછો બચ્યો છે. આ ફી 750 ડોલર (લગભગ 55 હજાર રૂપિયા)થી 1,130 (લગભગ 83 હજાર રૂપિયા) ડોલર થવાની છે. ઈમિગ્રેશન એક્સપર્ટસનું કહેવું છે કે, આ એક રીતે સારા સમાચાર છે. તેમનું કહેવું હતું કે, કર્મચારીઓના ગ્રીન કાર્ડ સ્પોન્સર કરતી આઈટી કંપનીઓ નવી ફી લાગુ થવાનો સમય ઓછો બચ્યો હોવાથી તેમની કંપનીના H-1B એપ્લિકન્ટ્સ માટે પ્રોસેસ ઝડપી કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો