એપશહેર

દુબઈમાં 75000 સ્ક્વેયર ફૂટમાં બની રહ્યું છે ભવ્ય મંદિર, સામે આવી અદભૂત તસવીરો

દુબઈના જેલેબ અલી વિસ્તારમાં એક ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, જેનો શુભારંભ આગામી વર્ષે દિવાળી સુધીમાં થઈ જવાની શક્યતા છે.

Agencies 25 Jan 2021, 4:41 pm
દુબઈ: દુબઈમાં બની રહેલા મંદિરનો શુભારંભ આગામી વર્ષે દિવાળી સુધીમાં થઈ જશે. મીડિયા રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. ગત વર્ષે ઓગસ્ટમાં કોરોના મહામારી દરમિયાન આ મંદિરનો પાયો નંખાયો હતો. દુબઈની કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી મુજબ, શહેરના જેલેબ અલી વિસ્તારમાં ગુરુ નાનક સિંહ દરબારની નજીક આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, કે જે દુબઈમાં સિંધી ગુરુ દરબારનો વિસ્તાર છે.
I am Gujarat Dubai Temple
દુબઈમાં બનવા જઈ રહ્યું છે આવું ભવ્ય મંદિર.


સિંધી ગુરુ દરબાર મંદિર અહીં વસતા હિંદુઓનું જૂના મંદિરોમાંથી એક છે, જેની શરૂઆત 1950ના દાયકામાં થઈ હતી. રવિવારે ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતા મંદિરના ટ્રસ્ટીઓમાંથી એક રાજુ શ્રોફે કહ્યું કે, 'આ મંદિર સંયુક્ત આરબ અમીરાત અને દુબઈના લોકોના ખુલ્લા વિચારો અને માનસિકતાની ઓળખ છે.' તેમણે કહ્યું કે, '1950ના દાયકામાં એક રૂમના મંદિરમાંથી 70 હજાર સ્ક્વેયર ફૂટના મંદિર અને કોમ્યુનિટી સેન્ટર બનવાની આ યાત્રા દુબઈના શાસકોની ઉદારતા અને ખુલ્લા વિચારો અને સીડીએ, દુબઈના અભૂતપૂર્વ સમર્થન વિના શક્ય ન બન્યું હોત.'

ખલીજ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આ મંદિર હિંદુઓના 11 દેવી-દેવતાઓનું ઘર હશે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, મંદિરનું બાંધકામ 25,000 સ્ક્વેયર ફૂટ જમીન પર થશે, જ્યારે સમગ્ર પરિસર 75,000 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલું હશે. તેમાં બે બેઝમેન્ટ હશે, એક ગ્રાઉન્ડ ફ્લોર હશે અને એક ફર્સ્ટ ફ્લોર હશે.

મંદિરમાં એક 4000 સ્ક્વેયર ફૂટનો બેંક્વેટ હોલ પણ હશે, જ્યાં લગભગ 775 લોકો એકસાથે એકઠા થઈ શકે તેટલી ક્ષમતા હશે અને એક 1,000 સ્ક્વેયર ફૂટનો મલ્ટીપર્પસ રૂમ પણ હશે. આ ભવ્ય મંદિરના નિર્માણ કામથી હિંદુ સમાજે ઘણી ખુશી વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે, અબુધાબીમાં પણ બીએપીએસ દ્વારા એક ભવ્ય મંદિર બનાવાઈ રહ્યું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું 20 હજાર સ્ક્વેયર ફૂટમાં નિર્માણ થઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Read Next Story