એપશહેર

ઈમરાને ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો, ટ્રમ્પે મધ્યસ્થી કરવાની દર્શાવી તૈયારી

Shailesh Thakkar | PTI 23 Jul 2019, 12:01 am
વૉશિંગ્ટન : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લીધી. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથે આ ઈમરાન ખાનની પ્રથમ મુલાકાત છે. રૉયટર્સના રિપોર્ટ અનુસાર વાતચીત દરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કરી છે. એટલું જ નહીં, ટ્રમ્પે દાવો કર્યો કે, તે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને કહ્યું હતું કે, કાશ્મીર વિવાદમાં નિપટારા માટે મદદ કરે અને તેમને મધ્યસ્થતા કરવામાં ખુશી થશે. મુલાકાત દરમિયાન ઈમરાને ટ્રમ્પને કશ્મીર મુદ્દે દખલ આપવાની માગણી કરી. ઈમરાને કહ્યું, ‘હું પ્રેસિડેન્ટ ટ્રમ્પને કહેવા માગું છું કે, અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે ઉપ-મહાદ્વિપમાં શાંતિમાં મહત્વનું યોગદાન આપી શકે છે. કાશ્મીર મુદ્દાનું સમાધાન આપી શકે છે. મારું કહેવું છે કે, અમે ભારત સાથે વાતચીત માટે દરેક પ્રયત્ન કર્યા છે.’
આનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, ‘બે સપ્તાહ પહેલા PM મોદી સાથે મારી વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, શું તમે મધ્યસ્થ થઈ શકો? આ મુદ્દો 70 વર્ષથી લટકેલો છે અને અમને ખુશી થશે જો અમે આમાં મધ્યસ્થતા કરી શકીએ. આ મુદ્દાનું નિરાકરણ આવવું જોઈએ.’ ટ્રમ્પે કહ્યું કે, કાશ્મીર દુનિયાના સૌથી સુંદર વિસ્તારો પૈકીનું એક છે પણ તે હિંસા સામે ઝઝૂમી રહ્યું છે અને દર સપ્તાહે બૉમ્બ વિસ્ફોટોના સમાચાર મળે છે. અબ્દુલ્લાએ માંગ્યો જવાબ, થરુરે ટ્રમ્પ પર ઉઠાવ્યો સવાલ ટ્રમ્પના આ દાવા અંગે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ સરકાર પાસે જવાબ આપવાની માગણી કરી છે જ્યારે કોંગ્રસ નેતા શશિ થરુરે અમેરિકન પ્રેસિડેન્ટના નિવેદન પર શંકા જાહેર કરી છે. તેમણે કહ્યું કે, કદાચ PM મોદીએ જે વાત કરી તેનો યોગ્ય આશય તેમને સમજાયો નહીં હોય. થરુરે કહ્યું કે, ‘મને લાગે છે કે, ટ્રમ્પને જરાય અંદાજો નથી કે, તેઓ શું બોલી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરવું જોઈએ કે, ભારતે ક્યારેય તેમની મધ્યસ્થતાની માગણી કરી નથી.’ મધ્યસ્થતાની વિરુદ્ધ રહ્યું છે ભારત જણાવી દઈએ કે, ભારત હંમેશાંથી કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાર્તાના પક્ષમાં રહ્યું છે અને કોઈપણ પ્રકારની મધ્યસ્થતાને હંમેશાં ફગાવતું આવ્યું છે. બીજી તરફ ટ્રમ્પના નિવેદનથી ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે.
ઈમરાન ખાનનો અમેરિકાનો આ પ્રવાસ ઘણો મહત્વનો છે કારણ કે, છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધો ઘણા વણસ્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયતા પર રોક લગાવતા કહ્યું કે, તેણે આતંકવાદ સામે નિપટવામાં મદદ કરવી પડશે. પાકિસ્તાન સેના ચીફ જાવેદ બાજવા, ISS ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ અને વિદેશ મંદત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે ઈમરાન ખાને ટ્રમ્પની મુલાકાત કરી.
ઈમરાન ખાનના પ્રતિનિધિ મંડળ સાથે ટ્રમ્પની મુલાકાત બાદ કુરૈશીએ ટ્વીટ કરીને જણાવ્યું, ‘પાકિસ્તાનના વડાપ્રધાન નવા પાકિસ્તાનના પોતાના વિઝનને રજૂ કરવા માટે અહીં પર છે. અમે અમરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોનો નવો દોર શરૂ કરવા માગીએ છીએ. અમે શાંતિ અને સદભાવના દૃષ્ટિકોણથી કામ કરી રહ્યાં છીએ.’ માનવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પે ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક અને ચોક્કસ કાર્યવાહી કરવાનો સંદેશ આપ્યો છે. ગત 4 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પાકિસ્તાન વડાપ્રધાને દ્વિપક્ષીય વાર્તા માટે અમેરિકાનો પ્રવાસ કર્યો છે. અગાઉ પૂર્વ PM નવાઝ શરીફ ઑક્ટોબર 2015માં અમેરિકા ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો