એપશહેર

યુકે બાદ હવે યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાયો કોરોનાના નવા સ્વરૂપનો ચેપ

યુકેમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે

I am Gujarat 21 Dec 2020, 5:57 pm
યુકેમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા દેશોએ યુકેની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, યુકે બાદ હવે યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસના નવા સ્વરૂપનો ચેપ ફેલાઈ રહ્યો છે. ઈટાલીમાં પણ તેના ચેપનો કેસ સામે આવ્યો છે. આ સાથે જ તે આ નવા સ્વરૂપનો ચેપ ધરાવતો પાંચમો દેશ બની ગયો છે. જોકે, ઈટાલીનો આ દર્દી થોડા દિવસ અગાઉ પોતાના પાર્ટનર સાથે યુકેથી રોમ આવ્યો હતો. પરંતુ તેના પાર્ટનરનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, તેમ ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. હાલમાં બંને આઈસોલેશનમાં છે.
I am Gujarat italy becomes fifth country to spot mutated covid virus after infected british traveller flew to rome
યુકે બાદ હવે યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાયો કોરોનાના નવા સ્વરૂપનો ચેપ


70 ટકા વધુ ઝડપથી ફેલાય છે આનો ચેપ

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે કોરોના વાયરસનું નવું સ્વરૂપ યુકેમાં જોવા મળ્યું છે અને તે કોવિડ-19 કરતા પણ વધારે ખતરનાક છે, કેમ કે તેનો ચેપ વધારે ઝડપથી ફેલાય છે. તેનો ચેપ 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. યુકે ઉપરાંત જે દેશોમાં વાયરસના આ નવા સ્વરૂપના કેસ જોવા મળ્યા છે તેમાં ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમનો સમાવેશ થાય છે. નવેમ્બરમાં ડેનમાર્કમાં સ્ટ્રેનના નવ કેસ સામે આવ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક કેસ જોવા મળ્યો હતો. નેધરલેન્ડ્સે જણાવ્યું છે કે તેના ત્યાં આ મહિનામાં આનો કેસ જોવા મળ્યો છે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ તાજેતરના સપ્તાહમાં નવા સ્ટ્રેઈનના કેસ સામે આવ્યા છે.

ફ્રાન્સમાં આ વાયરસ ફેલાઈ ગયો હોવાની શક્યતા

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે ફ્રાન્સમાં કોરોનાના આ નવા સ્ટ્રેનનો ચેપ ફેલાઈ ગયો હોય તેવી શક્યતા છે. જોકે, અત્યાર સુધી ફ્રાન્સમાં આનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે નોર્ધન આયર્લેન્ડના મંત્રીએ પણ પોતાને ત્યાં આ વાયરસ ફેલાયો હોઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે. યુકેમાં આ વાયરસનો કહેર જોવા મળ્યા બાદ યુરોપિયન યુનિયને ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઘણા દેશોએ ટ્રાવેલ પર પ્રતિબંધ મૂક્યો

યુકેની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા ઘણા દેશોએ યુકેથી અને યુકે જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં ફ્રાન્સ, ઈટાલી, જર્મની, આયર્લેન્ડ, કેનેડા અને ભારતનો સમાવેશ થાય છે. ભારતે 31 ડિસેમ્બર સુધી યુકેની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. ફ્રાન્સે બ્રિટનની ટ્રકો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે બ્રિટનના સુપર માર્કેટ્સમાં જરૂરી વસ્તુઓની અછત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. હાલમાં યુરોપમાં ક્રિસમસની ઉજવણીનો માહોલ છે તેવામાં યુકે માટે આગામી દિવસોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

કોરોના વેક્સીનના સપ્લાયને પણ થશે અસર

ટ્રાવેલ બેનથી યુકેમાં વેક્સીનના સપ્લાયને પણ અસર પહોંચશે. યુકેમાં હાલમાં ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. આ વેક્સીન બેલ્જિયમમાં બને છે. તેથી તેના સપ્લાયને અસર પહોંચશે. જોકે, આ પ્રતિબંધ 48 કલાકથી વધારે રહેશે તો વેક્સીનના સપ્લાયને એરલિફ્ટ કરવામાં આવશે અને તેના માટે મિલિટ્રી એરક્રાફ્ટને તૈયાર રાખવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો