એપશહેર

પર્વતારોહી ચઢાણ દરમિયાન લાઈવ-સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, અને પછી બની આઘાતજનક ઘટના

નવરંગ સેન | I am Gujarat 31 Oct 2019, 6:55 pm
ટોકિયોઃ જાપાની મીડિયાએ બુધવારે જણાવ્યું છે કે માઉન્ટ ફુજી પર પર્વતારોહણ માટે ગયેલા વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. આ પર્વતારોહી માઉન્ટ ફુજી પર એકલો જ પર્વતારોહણ માટે ગયો હતો અને અચાનક જ બરફ આચ્છાદિત ઢાળ પરથી તેનો પગ લપસી ગયો હતો અને તે નીચે પટકાયો હતો. જાપાનના આ પર્વત પર પ્રત્યેક વર્ષે 3,00,000થી વધુ લોકો પર્વતારોહણ માટે જતા હોય છે પરંતુ સત્તાવાળાઓ શિયાળા દરમિયાન ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દે છે. જોકે, આ પ્રતિબંધ આ પર્વતારોહીને અટકાવી શક્યો ન હતો. તે પડ્યો ત્યારે તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો અને તેમાં તેણે પોતાને ટેડઝો તરીકે ઓળખાવ્યો હતો. તેણે સોમવારે બપોરે જાપાનના સૌથી ઊંચા શિખર પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પર્વતારોહીના આઈ-વ્યુ કેમેર દ્વારા લેવામાં આવેલા વીડિયોમાં સાંભળવા મળે છે જેમાં તે કહી રહ્યો છે કે હું શિખર પર પહોંચવા માટે જઈ રહ્યો છું. આ દરમિયાન તે સતત પોતાના થીજી ગયેલા હાથની ફરિયાદ કરતો સાંભળવા મળે છે. વીડિયોમાં સંભળાય છે કે મારી આંગળીઓ સંવેદના ગુમાવી ચૂકી છે. મને લાગે છે કે મારે સ્માર્ટફોન હોલ્ડર લાવવું જોઈતું હતું. મારી આંગળીઓ માને મારી નાંખશે. મારે તેને ઝડપથી ગરમ કરવી પડશે. તે જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેનો માર્ગ વધારે સાંકડો થતો જાય છે. તે કહે છે કે અહીં ઘણું લપસણુ છે અને આ ઘણું જોખમી છે. અહીં ખડકો છે. અમે તેને ફોલો કરી રહ્યા છીએ. તે ઘણા જોખમી છે. હું સ્લાઈડિંગ દ્વારા તેના પર ચડી શકું છું. અહીં ઢાળ છે અને માર્ગ બરફથી ઢંકાયેલો છે. શું હું યોગ્ય રસ્તે જઈ રહ્યો છું? હું લપસી રહ્યો છું. અંતે તે કહે છે કે હું લપસી રહ્યો છું. તે લપસે છે તે અવાજ વીડિયોમાં સાંભળવા મળે છે અને વીડિયોમાં તેની બૂટ, ક્લાઈમ્બિંગ પોલ્સ અને સ્માર્ટફોનની તસવીરો જોવા મળે છે. અંતમાં વીડિયોની સ્કીન પરના દ્રશ્યો સ્થિર થઈ જાય છે. જેમાં એક ખડક, બરફ અને પોલનો વાદળી રંગ જોવા મળે છે. આ વીડિયોમાં એક મહિલાનો અવાજ પણ સંભળાય છે પરંતુ તે તેના ફોનમાંથી આવતો હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે પર્વતારોહીને જોનારા લોકોએ અમને ઘણા ફોન કર્યા હતા. પોલીસે બાદમાં 10 સભ્યોના બચાવદળ સાથે એક હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું. મંગળવારે તેમણે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમને તેમાં સફળતા મળી ન હતી. અંતે તેને શોધવામાં સફળતા મેળવી છે. 12,388 ફૂટ ઊંચાઈ ધરાવતા શિખર પર પર્વતારોહણની સિઝન 10 સપ્ટેમ્બરે બંધ થઈ જાય છે. તેની સત્તાવાર વેબસાઈટ પર પણ જણાવવામાં આવ્યું છે કે આ તારીખ બાદ ત્યાં કોઈ સુવિધા ઉપલબ્ધ બનતી નથી. ત્યારપછીના ગાળામાં આ પર્વત પર ચડવું ઘણું જોખણી છે. અમેરિકન એમ્બેસીએ પણ જણાવ્યું છે કે સિઝન પૂરી થયા બાદ માઉન્ટ ફુજી પર ચઢાણ કરનારા ઘણા પર્વતારોહીઓ પોતાનો જીવ ગુમાવે છે જેમાં અમેરિકનો પણ સામેલ છે. ઓગસ્ટમાં એક ખડક પરથી પડી જતા રશિયન મહિલાનું મોત નિપજ્યું હતું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો