એપશહેર

ફ્રાંસમાં 72 કલાકમાં ચર્ચ પર બીજો હુમલો, બંદૂકધારીએ પાદરીને ગોળી મારી

શનિવારે લિયોન શહેરમાં એક બંદૂકધારીએ ઓર્થોડોક્સ પાદરીને ગોળી મારી. આ હુમલામાં ઘાયલ ગ્રીસની નાગરિકતા ધરાવતા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

I am Gujarat 1 Nov 2020, 12:41 am
પેરિસ: ફ્રાંસમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના સામે આવી છે. શનિવારે લિયોન શહેરમાં શોટગન ધરાવતા એક બંદૂકધારીએ ઓર્થોડોક્સ પાદરીને ગોળી મારી. આ હુમલામાં ઘાયલ એવા ગ્રીસની નાગરિકતા ધરાવતા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર નજીકથી ગોળી મારવાના કારણે આ પાદરીને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો કરનાર હજુ પોલીસના હાથમાં આવ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
I am Gujarat w2


ફ્રાંસના આંતરિક મંત્રાલયે ટ્વિટ કરતા જણાવ્યું કે દક્ષિણ-પૂર્વ શહેર લિયોનમાં આ ઘટના બની છે. સુરક્ષા અને ઈમરજન્સીકર્મીઓ ઘટનાસ્થળ પર છે. મંત્રાલયે ચેતવણી જાહેર કરતા કહ્યું કે લોકો આ ઘટનાવાળી જગ્યાથી દૂર રહે. હજુ સુધી એવું જાણવા મળ્યું નથી કે આ હુમલો આતંકી સંબંધિત છે કે પછી આંતરિક ઝઘડાના કારણે આવું બન્યું છે. અહીં નોંધનીય છે કે બે દિવસ પહેલા ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી દીધા બાદ અન્ય બે લોકોની ચપ્પુ મારીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના ફ્રાન્સના નાઈસ શહેરમાં બની હતી.

ફ્રાંસમાં કોરોના વાયરસના વધતા કેસોના કારણે શુક્રવારે બીજા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પણ, સરકારે સોમવાર સુધી પૂજાસ્થળને છૂટ આપી છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો રવિવારે ઓલ સેન્ટ્સ ડેની ઉજવણીની તૈયારીમાં જોડાયા હતા. પણ, આ હુમલા બાદ સમગ્ર ફ્રાંસમાં એલર્ટ વધારવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો