એપશહેર

દેવું કરીને દેવું ચૂકતે કરશે પાકિસ્તાન, હવે ચીન કરશે મદદ

દેવાળિયુ ફૂંકવાના આરે ઊભેલા પાકિસ્તાનને દેવું ચૂકવવા માટે વધુ દેવું કરવું પડી રહ્યું છે

I am Gujarat 13 Dec 2020, 9:43 pm
ઈસ્લામાબાદઃ દેવાળિયુ ફૂંકવાના આરે ઊભેલા પાકિસ્તાનને દેવું ચુકવવા માટે વધુ દેવું કરવું પડી રહ્યું છે. પાકિસ્તાન ઉપર સાઉદી અરબનું દેવુ છે અને સાઉદીનું દેવું ચૂકવવા માટે પાકિસ્તાનને ચીન મદદ કરી રહ્યું છે. ઓગસ્ટમાં પણ ચીને સાઉદી અરબનું દેવું ચૂકવવા માટે ઈમરાન ખાનને એક અબજ ડોલરની લોન આપી હતી. નોંધનીય છે કે પાકિસ્તાન પર સાઉદી અરબનું ત્રણ અબજ ડોલરનું દેવું છે. જેમાંથી પાકિસ્તાને એક અબજ ડોલરનું દેવું ચૂકતે કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી સાઉદી સાથેના પાકિસ્તાનના સંબંધો ખરાબ થયા છે અને તેના કારણે સાઉદી પાકિસ્તાન પાસે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યું છે.
I am Gujarat pakistan takes 1 5 billion loan from china to repay debt to saudi arabia
દેવું કરીને દેવું ચૂકતે કરશે પાકિસ્તાન, હવે ચીન કરશે મદદ


ચીન આપી રહ્યું છે 1.5 બિલિયન ડોલરની લોન

સાઉદી અરબે પાકિસ્તાનને આ વર્ષના અંત સુધી બાકી રહેલા બે બિલિયન ડોલરની લોન ચૂકતે કરવાનું કહ્યું હતું. પાકિસ્તાનની કંગાળ આર્થિક પરિસ્થિતિને જોતા વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના મિત્ર ચીન પાસે ઉધારી માંગી છે. ત્યારબાદ ચીને 1.5 બિલિયન ડોલરની લોન આપવાનું નક્કી કર્યું છે. બાકી રહેલા ડોલરની વ્યવસ્થા પાકિસ્તાન પોતે કરશે.

સાઉદીએ પાકિસ્તાન પાસેથી પરત લીધું હતું આર્થિક પેકેજ

કાશ્મીર મામલાને લઈને પાકિસ્તાનના વર્તનથી સાઉદી અરબે જૂલાઈમાં પોતાના આર્થિક પેકેજને પરત લીધું હતું. આ પેકેજમાં સાઉદી અરબે ઓક્ટોબર 2018મા આપ્યું હતું. આ અંતર્ગત સાઉદી અરબે પાકિસ્તાનને 3 વર્ષ માટે 6.2 બિલિયન ડોલરની લોન આપી હતી જેમાંથી 3 બિલિયન ડોલરની રોકડ સહાય સામેલ હતી જ્યારે બાકીના રૂપિયાની અવેજમાં પાકિસ્તાનને તેલ અને ગેસનો પૂરવઠો આપવાનો હતો. જોકે, પાકિસ્તાની વિદેશ મંત્રીના ભડકાઉ નિવેદનોથી સાઉદી અરબ રોષે ભરાયું હતું અને 2021મા સમાપ્ત થનારા આ પેકેજને 2020મા જ બંધ કરી દીધું હતું.

પાકિસ્તાને ચૂકવવું પડશે વ્યાજ

આ કરાર અનુસાર શરૂઆતમાં સાઉદીએ પાકિસ્તાનને રોકડ અને તેલની સુવિધા ફક્ત એક વર્ષ માટે આપી હતી, પરંતુ ત્યારબાદના વર્ષોમાં તેને વધારીને ત્રણ વર્ષ કરવામાં આવ્યા હતા. આ ત્રણ બિલિયન ડોલરની રોકડ સહાયતા માટે પાકિસ્તાનને 3.3 ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે. તેવામાં ઈમરાન ખાન સામે ચીન પાસેથી લોન લીધા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો