એપશહેર

આતંકવાદી બુરહાનનાં મોતથી પાકિસ્તાન 'આઘાત'માં

I am Gujarat 11 Jul 2016, 3:44 pm
ઇસ્લામાબાદઃ કાશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી બુરહાન વાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા બાદ પાકિસ્તાને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પાકિસ્તાને આ ઘટનાના વિરોધમાં કાશ્મીર વેલીમાં ભડકેલી હિંસા દરમિયાન સ્થાનિક લોકો પર બળ પ્રયોગ અને દમનકારી ઉપાયોની પણ નિંદા કરી છે. કાશ્મીરમાં પ્રદર્શનકારીઓનાં મોત પર ચુપકીદી સાધવા બદલ વિપક્ષના વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે મોડી રાતે નિવેદન આપી ભારતીય સુરક્ષા દળોની કાર્યવાહીની નિંદા કરી હતી.
I am Gujarat pm nawaz slams indian aggression
આતંકવાદી બુરહાનનાં મોતથી પાકિસ્તાન 'આઘાત'માં


શરીફના કાર્યાલયથી જાહેર કરાયેલા આ નિવેદનમાં જણાવાયું છે કે, ‘કાશ્મીરી નેતા બુરહાન વાની સહિત ઘાટીના અન્ય નાગરિકોને ભારતીય સૈન્ય અને પેરામિલિટરી ફોર્સીસ દ્વારા મારી નાખવામાં આવતાં વડાપ્રધાનને ખૂબ જ આઘાત લાગ્યો છે.’ શરીફે કહ્યું છે કે, વાનીનાં મોત સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સામે ‘વધુ પડતો અને ગેરકાયદે રીતે બળપ્રયોગ કરવામાં આવ્યો છે, જે નિંદનીય છે.’

તેમણે કહ્યું હતું કે, ‘આ પ્રકારની દમનકારી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના લોકોને સંયુક્ત રાષ્ટ્ર પરિષદના સંકલ્પોના આલોકમાં આત્મ નિર્ણયના તેમના અધિકારોનો ઉપયોગ કરવાથી વિચલિત ન કરી શકે.’ કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓને નંજરબંધ કરવા અંગે પણ ચિંતા વ્યક્ત કરતા શરીફે કહ્યું હતું કે, ભારતે તેની માનવાધિકારની જવાબદારી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંકલ્પો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું પાલન કરવું જોઈએ.

સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુરહાન વાનીનાં મોત બાદ અલગતાવાદીઓએ બંધનું એલાન આપ્યું હતું, જેથી ઘાટીમાં કર્ફ્યૂ જેવા પ્રતિબંધ લગાવી દેવાયા હતા. સોમવારે ત્રીજા દિવસે પણ સામાન્ય જનજીવન પૂર્વવત્ થઈ શક્યું નહોતું. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેનાં ઘર્ષણમાં મોતનો આંકડો 23 સુધી પહોંચ્યો છે. સૈયલ અલી શાહ, ગિલાની, મીરવાઇઝ ઉમર ફારુક અને મોહમ્મદ યાસીન મલિક સહિત મોટા ભાગના અલગતાવાદી નેતાઓની અટકાયત કરાઈ છે અથવા તો તેમને નજરકેદ કરાયા હતા.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ આરોપ લગાવ્યો છે કે, શરીફ અને મોદીની દોસ્તીથી કાશ્મીર મુદ્દે જે ‘નુકસાન’ પહોંચી રહ્યું છે, તેની ભરપાઈ થઈ શકશે નહિ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો