એપશહેર

ભારતે કોરોના વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગરીબ દેશો કફોડી સ્થિતિમાં મૂકાયા

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફ મુજબ, ભારત કોરોના વેક્સીનના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકતા જૂનના અંત સુધીમાં દુનિયાભરમાં 19 કરોડ ડોઝની અછત થઈ જશે. તેનાથી ગરીબ દેશોના વેક્સિનેશન પ્રોગ્રામને મોટો ઝટકો વાગશે.

Agencies 21 May 2021, 12:04 am

હાઈલાઈટ્સ:

  • ભારતે કોરોના વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગરીબ દેશોના વેક્સિનેશન કાર્યક્રમને મોટો ફટકો પડ્યો છે.
  • યુનિસેફ મુજબ ભારતે મૂકેલા પ્રતિબંધથી દુનિયામાં જૂન સુધીમાં 19 કરોડ ડોઝની અછત ઊભી થશે.
  • કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટતાં ભારતને વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat corona vaccine poor country
નૈરોબી/કોલાલમ્પુર: દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા ભારતે નિકાસ પર રોક લગાવી દીધઈ છે, જેનાથી બીજા જરૂરિયામંદ દેશોના લાખો ગરીબ લોકોને ઝટકો લાગ્યો છે. ઘણી જગ્યાએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકોને હવે ચિંતા છે કે, તેમને બીજો ડોઝ મળશે કે નહીં. અલગ-અલગ અને ખતરનાક વેરિયન્ટ આવવાથી સુરક્ષાને લઈને ડર પણ વધી ગયો છે. બીજા ડોઝની રાહ જોઈ રહેલા એક ટેક્સી ડ્રાઈવર જોન ઓમાન્ડીએ કહ્યું કે, 'વેક્સીન વિના અમે મોતની રાહ જોઈ રહ્યા છીએ.'
એવા ઘણા વિકાસશીલ દેશો છે, જેમના રાષ્ટ્રીય વેક્સીન પ્રોગ્રામને ભારતના નિર્ણયથી ઝટકો લાગ્યો છે. કેન્યા પણ આવો જ એક દેશ છે. હકીકતમાં, ભારતમાં પણ ખતરનાક વેરિયન્ટ B.1.617 ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેણે તાજેતરના સપ્તાહોમાં ઘણી તબાહી મચાવી છે. જેના પગલે ભારતમાં વેક્સિનેશન ઝડપી કરવા અને સ્થાનિક માંગને પહોંચી વળવાની જરૂરિયાત ઊભી થઈ છે.

બ્લેક ફંગસનુ સ્ટેરોઈડની સાથે માસ્કથી પણ છે કનેક્શન? શું કહે છે એક્સપર્ટ?
ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવેક્સ પ્રોગ્રામ અંતર્ગત 5 કરોડની વસ્તીવાળા કેન્યાને એસ્ટ્રાજેનેકા વેક્સીનના 10 લાખ ડોઝ આપ્યા હતા. 30 લાખ ડોઝનો બીજો જથ્થો જૂનમાં જવાનો હતો, પરંતુ ભારતે નિકાસ રોકી દીધી છે. કેન્યાના આરોગ્ય મંત્રાલયના કાર્યકારી ડિરેક્ટર પેટ્રિક એમથનું કહેવું છે કે, 'અમારી પાસે વેક્સીન હોત તો અમે અમારા પ્લાનનો બીજો તબક્કો શરૂ કરી દેત.' તેમણે આશા વ્યક્ત કરી કે, ભારતમાં જલદી સ્થિતિ સામાન્ય થઈ જશે. તે સાથે-સાથે જોનસન એન્ડ જોનસન અને ફાઈઝરની વેક્સીન મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

એ જ રીતે ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, વિયેતનામ અને દક્ષિણ કોરિયાને પણ ભારતમાંથી વેક્સીન ન આવવાથી ઝટકો લાગ્યો છે. ઈન્ડોનેશિયાએ હવે ચીનની મદદ માંગી છે અને ઉત્પાદન વધારવા માટે પેટન્ટ હટાવવાની અપીલ કરી છે. કેન્યા, ઘાનાથી લઈને બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા સુધી ગરીબ દેશ કોવેક્સ ઉપર નિર્ભર છે, પરંતુ તેમની પાસે હવે વેક્સિનેશન રોકવા સિવાય હાલ બીજો રસ્તો નથી.

ગુજરાતમાં કેમ મ્યૂકરમાઈકોસિસના વધુ કેસ નોંધાય છે? નિષ્ણાતોએ કાઢ્યા તારણો
સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફ મુજબ, ભારતે એક્સપોર્ટ રોકતા જૂનના અંત સુધીમાં દુનિયાભરમાં 19 કરોડ ડોઝની અછત થઈ જશે. તેનાથી ગરીબ દેશ પાછળ રહી જશે અને વાયરસને રોકવાના વૈશ્વિક પ્રયાસોને મોટો ઝટકો લાગશે, તે પણ એવા સમયે જ્યારે ખતરનાક વેરિયન્ટ સામે આવી રહ્યા છે. ભારતના પાડોશીઓ- નેપાળ, શ્રીલંકા, માલદીવથી લઈને આર્જેન્ટીના અને બ્રાઝીલ જેવા દેશોમાં પણ આરોગ્ય વ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે.

બાંગ્લાદેશમાં હાલમાં પહેલો ડોઝ આપવાનો કાર્યક્રમ જ રોકી દેવો પડ્યો છે. અહીં વર્ષના શરૂઆતના 6 મહિનામાં ભારતથી દર મહિને 50 લાખ ડોઝ જવાના હતા. અત્યાર સુધી માત્ર 70 લાખ ડોઝ જ પહોંચ્યા છે. બાંગ્લાદેશે હવે રશિયાની સ્પૂતનિક વેક્સીનને મંજૂરી આપી છે અને 5 લાખ ડોઝ અહીં ચીનથી પહોંચ્યા છે. કોવેક્સ અંતર્ગત ફાઈઝરના એક લાખ ડોઝ આગામી મહિને પહોંચશે.


આફ્રિકામાં 50 ટાક દેશ વેક્સિનેશન માટે કોવેક્સ પર નિર્ભર છે. આફ્રિકાનું લક્ષ્ય વર્ષના અંત સુધીમાં 30-35 ટકા અને આગામી બેથી ત્રણ વર્ષમાં 60 ટકા વસ્તીને વેક્સીનેટ કરવાનું હતું, પરંતુ વેક્સીનની અછતથી આ લક્ષ્ય દૂર જઈ શકે છે. એ જ રીતે ઈથોપિયાની પાસે હવે ચીનની સિનોફાર્મા વેક્સીન છે અને તે બીજી બ્રાન્ડ્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘાનામાં પણ વેક્સિનેશનનું લક્ષ્ય પાછળ જતું દેખાઈ રહ્યું છે.

યુનિસેફ અને બીજી ચેરિટીઝએ અમીર દેશોને અપીલ કરી છે કે તે પોતાની એકસ્ટ્રા ડોઝ ગરીબ દેશોને દાન કરી દે. યુનિસેફ ફોરેનું કહેવું છે કે, માત્ર જી7 દેશ જો પોતાના સપ્લાયમાંથી 20 ટકા શેર કરે તો જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં 15.3 કરોડ ડોઝ મળી શકે છે, જેનાથી ઘણા દેશોને રાહત મળશે. તો, ફાઈઝર અને મોડર્ના જેવી કંપનીઓને સપ્લાયમાં ઝડપ કરવાની અપીલ કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો