એપશહેર

પોતાના પર લાગેલું કોરોનાનું 'કલંક' ભૂસવા માટે ચીનની નવી ચાલ

ચિંતન રામી | Agencies 8 Apr 2020, 5:08 pm
કોરોના વાયરસને લઈને ચીન બદનામ થયું છે અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો કોરોનાને ચાઈના વાયરસ પણ કહી ચૂક્યા છે. જોકે, હવે ચીને પોતાના પર લાગેલા આ આરોપોનો જવાબ આપતા કોરોના વાયરસ ટાઈમલાઈન પબ્લિશ કરી છે અને તેના પર ઢાંકપીછોળો કરવાનો પ્રયાસ કર્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસરકાર સમર્થિત ન્યૂઝ એજન્સી શિન્હુઆએ સોમવારે ટાઈમ લાઈન પબ્લિશ કરી છે જેમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે ચીને કેવી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેના વિશે માહિતી આપી હતી અને અન્ય દેશો સાથે કોઓપરેશન રાખ્યુ હતું. 37 પેજના ડોક્યુમેન્ટમાં કોરોના સામે ‘ચીને લીધેલા પગલા અને ફેક્ટ્સ’ રજૂ કરવામાં આવ્યા છે. આમાં ખાસ કરીને પ્રમુખ શિ જિનપિંગ અને અન્ય કોમ્યુનિસ્ટ નેતાઓની પ્રશંસા કરવામાં આવી છે.જોકે, આ રિપોર્ટમાં મહામારી સાથે જોડાયેલી ઘણી મહત્વની ઘટનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. ડેઈલી મેલના અહેવાલમાં આ ડોક્યુમેન્ટ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.1) વ્હીસલબ્લોઅર્સકોવિડ-19 મહામારી સાથે જોડાયેલી સૌથી મહત્વની ઘટનામાં વ્હીસલબ્લોઅર્સની ભૂમિકા સૌથી મહત્વની છે. વુહાનના આઠ મેડિકલ વર્કર્સે ડિસેમ્બરમાં જ આ મહામારીની ચેતવણી આપી દીધી હતી. જોકે, તેમના પર ખોટા ન્યૂઝ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો અને તેમને ઠપકો આપ્યો હતો. આ ડોક્ટર્સમાં લિ વિનલિઆંગ મુખ્ય હતા અને કોરોનાના દર્દીઓની સારવાર કરતા તેમને પણ ચેપ લાગ્યો હતો અને 7 ફેબ્રુઆરીએ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 30 ડિસેમ્બરે 34 વર્ષીય આ ડોક્ટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સાર્સ જેવા વાયરસની ચેતવણી ઉચ્ચારી હતી. વુહાનને જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું તેના ત્રણ સપ્તાહ પહેલા તેમણે તેની ચેતવણી આપી હતી. શિન્હુઆની ટાઈમલાઈનમાં આ ઘટનાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.2) હુઆનાન સીફૂડ માર્કેટજ્યારથી આ જીવલેણ વાયરસ સામે આવ્યો છે ત્યારથી ઘણા સંશોધકો અને સત્તાવાળાઓ આ વાયરસનો સંબંધ હુઆનાન સીફૂડ હોલસેલ માર્કેટ સાથે જોડી રહ્યા છે. 11 મિલિયનની વસ્તી ધરાવતા વુહાનનું આ લોકપ્રિય માર્કેટ છે. જોકે, ટાઈમલાઈનમાં તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. વુહાન મ્યૂનિસિપલ હેલ્થ કમિશને શરૂઆતમાં જે નિવેદન આપ્યું હતું તેમાં કોવિડ-19 અને હુઆનાન સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર સુધી આ માર્કેટમાં 27 કેસ સામે આવ્યા હતા અને શહેરના અધિકારીઓએ આ વાયરસના હુઆનાન સાથેના સંબંધનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. અન્ય કેટલાક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાનો પ્રથમ દર્દી આ માર્કેટનો જ હતો. આ માર્કેટને 1 જાન્યુઆરીએ બંધ કરી દેવામાં આવ્યું હતું.જોકે, ટાઈમલાઈનમાં હુઆનાના માર્કેટનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 26 જાન્યુઆરીએ ચાઈનિઝ નેશનલ હેલ્થ કમિશનના મા શિઆઓવેઈએ કહ્યું હતું કે આ વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો છે તે શોધવાનું હજી બાકી છે અને તેના માટે પૂરતો અભ્યાસ કરવો જરૂરી છે. જ્યારે 6 માર્ચે ચાઈનિઝ મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સના પ્રવક્તાએ કહ્યું હતું કે કોવિડ-19નો પ્રથમ કેસ ચીનમાં નોંધાયો હતો તે સાચી વાત છે પરંતુ તે જરૂરી નથી કે કોરોનાનો ઉદ્દભવ ચીનમાં થયો છે.3) ગેગ ઓર્ડરએક હાઈ-પ્રોફાઈલ ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વાયરસના ફેલાવાની શરૂઆતના સમયમાં ચીનના અધિકારીઓએ તમામ લેબને કોરોના વાયરસના ટેસ્ટ કરવાની ના પાડી હતી અને તમામ સેમ્પલ્સનો નાશ કરવાનું કહ્યું હતું. પહેલી જાન્યુઆરીએ હુબેઈ હેલ્થ કમિશનના અધિકારીઓએ એવી કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓને ગેગ ઓર્ડર પાઠવ્યો હતો જેમણે 27 ડિસેમ્બરે સાર્સ જેવા વાયરસની જાણકારી આપી હતી. ચીનના કોરોના વાયરસનો ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સ બેઈજિંગના મીડિયા ગ્રૂપ કેઈશિન દ્વારા 26 ફેબ્રુઆરીએ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર હજારો વખત શેર કરવામાં આવ્યો હતો અને બાદમાં અચાનક ગાયબ થઈ ગયો હતો. જોકે, મીડિયા ગ્રૂપની વેબસાઈટ પર આ આર્ટિકલનો અંગ્રેજી અનુવાદ હજી પણ ઉપલબ્ધ છે. શિન્હુઆની ટાઈમલાઈનમાં ડિસેમ્બરમાં કરવામાં આવેલા લેબ-ટેસ્ટિંગનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.4) શિ જિનપિંગને ક્યારે જાણ થઈચીનના પ્રમુખ શિ જિનપિંગને કોરોના વાયરસની સૌ પ્રથમ જાણ ક્યારે થઈ તે હજી પણ રહસ્ય છે. ટાઈમલાઈન અને અન્ય કેટલાક સ્ટેટ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાન્યુઆરીએ સીપીસી સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યૂરોની સ્ટેન્ડિંગ કમિટીની 7 જાન્યુઆરીએ યોજાયેલી બેઠકમાં જિનપિંગે પ્રથમ વખત આ વાયરસને લઈને સૂચનાઓ આપી હતી. જોકે, પબ્લિક ગવર્નમેન્ટ ડોક્યુમેન્ટ્સની તપાસ અને સત્તાવાર રિપોર્ટમાં જોવા મળ્યું છે કે જિનપિંગે 15 ફેબ્રુઆરી પહેલા પોતાની સ્પીચમાં ક્યારેય આનો ઉલ્લેખ કર્યો નથી. ટાઈમલાઈનમાં 7 જાન્યુઆરીના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી એવું કહેવામાં આવી રહ્યું ચે કે શિ જિનપિંગે 7 ફેબ્રુઆરીથી જ કોરોના વાયરસ સામે લડત માટે ટાસ્ક ફોર્સ રચી દીધી હતી.5) ‘ઝીરો કેસ’ દિવસોનું રહસ્યવુહાનમાં 6થી 17 જાન્યુઆરી દરમિયાન એક પણ નવો કેસ નોંધાયો ન હતો અને આ દરમિયાન શહેરમાં મહત્વની રાજકિય બેઠકો મળી હતી જે ‘ટૂ સેશન્સ’ કહેવામાં આવે છે. આ કોન્ફરન્સમાં 700 જેટલા અધિકારીઓ, ધારાસભ્યો અને સરકારના પ્રતિનિધિઓ આવ્યા હતા. 5 જાન્યુઆરી સુધી શહેરના હેલ્થ કમિશને 59 કેસ નોંધ્યા હતા પરંતુ મોતનો એક પણ કેસ ન હતો. વાયરસને ફેલાતો અટકાવવા માટે 12 દિવસ ઘણા મહત્વના હોય છે પરંતુ અધિકારીઓએ કાં તો એક પણ નવો કેસ નોંધ્યો ન હતો કે પછી દૈનિક અપડેટ જાહેર કરી ન હતી. શાંઘાઈના અખબાર યિકાઈમાં 1 ફેબ્રુઆરીના આર્ટિકલમાં કહેવામાં આવ્યું હતું કે 11 મિલિયનની વસ્તી ધરાવતા વુહાન શહેરમાં 12 દિવસો ભૂલાવી દેવામાં આવ્યા છે જે આ જીવલેણ વાયરસના ફેલાવા માટે ઘણા મહત્વના હતા.આ ઉપરાંત વુહાન કોમ્યુનિટીના અધિકારીઓએ 18 જાન્યુઆરીએ એક મોટા ભોજન સમારંભનું આયોજન કર્યું હતું જેમાં લુનાર ન્યૂ યરની ઉજવણી માટે 40,000થી વધુ પરિવારોને આમંત્રણ આપ્યું હતું, તેમ એક સ્થાનિક દૈનિકમાં જણાવવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ભોજન સમારંભના કારણે વાયરસનો ફેલાવો ઝડપથી થશે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સ્થાનિકો માસ્ક ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. ટાઈમલાઈનમાં આ ભોજન સમારંભનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.6) વાયરસને મોટા પ્રમાણમાં નિયંત્રણ કરી શકાય તેમ હતોરહસ્યમય વાયરલ ન્યૂમોનિયાથી પીડાઈ રહેલા દર્દીઓની સ્થિતિ નિયંત્રણમાં કરી શકાય તેમ હતી તેમ શિન્હુઆમાં 10 જાન્યુઆરીએ છપાયેલા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું. હુબેઈ પ્રોવિન્સિયલ પીપલ્સ હોસ્પિટલના પ્રોફેસર હુ કેએ દાવો કર્યો હતો કે મોટા ભાગના દર્દીઓમાં ઓછાથી મધ્યમ લક્ષણો જોવા મળતા હતા જ્યારે કેટલાક દર્દીઓએ પ્રારંભિક તબક્કામાં હતા. જેઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પણ જતા રહ્યા હતા. આ આર્ટિકલ વુહાનમાં કોવિડ-19થી થયેલા પ્રથમ મોતના એક દિવસ પહેલા પ્રકાશિત થયો હતો. પાંચ દિવસ બાદ શિન્હુઆના અન્ય એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે તેના કોઈ પૂરાવા મળ્યા નથી. ટાઈમલાઈનમાં આ બંને આર્ટિકલનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બેઈજિંગની કોરોના વાયરસ એક્સપર્ટ ટીમના પ્રોફેસર ઝોંગ નાનશાને 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો