એપશહેર

કોરોના વાયરસની વેક્સિનના આટલા કરોડ ડોઝ ખરીદશે અમેરિકા

કોરોના વાયરસની મહામારી દરમિયાન અમેરિકા કોરોના વાયરસ વેક્સિનના 10 કરોડ ડોઝ ખરીદવા જઈ રહ્યું છે. આ માટે તેણે જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કંપની સાથે ડીલ કરી છે.

I am Gujarat 6 Aug 2020, 4:02 pm
વોશિંગ્ટન: કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલું અમેરિકા, જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કંપની પાસેથી 1 અબજ ડોલરમાં કોરોના વાયરસની સંભવિત વેક્સિન (રસી)ના 10 કરોડ ડોઝ ખરીદશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આશરે દોઢ લાખ અમેરિકન્સનો જીવ લેનાર કોરોના વાયરસનો સામનો કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વેક્સિન અને દવા જમા કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વેક્સિનના એક ડોઝની કિંમત આશરે 10 ડોલર જેટલી થાય છે.
I am Gujarat q2


આ પહેલા માર્ચ મહિનામાં અમેરિકાએ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનને 45 કરોડ 60 લાખ ડોલર આપ્યા હતા. આ સિવાય અમેરિકા ફાઈઝર અને જર્મની બાયોટેક કંપની પાસેથી પણ 19.50 ડોલર પ્રતિ ડોઝના દરે વેક્સિન ખરીદી રહ્યું છે. જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત વેક્સિનના ડોઝનો દર 3થી 4 ડોલર પ્રતિ ડોઝ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જણાવ્યા મુજબ, જો જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની વેક્સિનને વેક્સિન લગાવવાના અભિયાનમાં સામેલ કરવામાં આવે તો આ ફ્રી પણ થઈ શકે છે.

અમેરિકન સરકાર વધુ 20 કરોડ વેક્સિનના ઓર્ડર આપી શકે છે. જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને આશા વ્યક્ત કરી છે કે જો તેમનો ટ્રાયલ સફળ રહેશે તો તેઓ વર્ષ 2021માં કોરોના વાયરસની વેક્સિનના 1 અબજ ડોઝ તૈયાર કરશે. તેઓ અમેરિકા અને સમગ્ર દુનિયામાં પોતાની વેક્સિન નિર્માણ ક્ષમતાને વધારી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલી દુનિયા હવે વેક્સિન (રસી)ની રાહ જોઈ રહી છે.

સમગ્ર વિશ્વની અનેક કંપનીઓ કોરોના વેક્સિન બનાવી રહી છે. આ પ્રયાસમાં સફળતા પણ જોવા મળી રહી છે અને ત્રણ કંપનીઓ કોરોના વેક્સિનના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. કોરોના વેક્સિન હજુ તૈયાર પણ નથી થઈ ત્યારે દુનિયાભારમાં કોરોના વેક્સિનના કરોડો ડોઝ પર કબ્જો કરવાની જાણે રેસ જોવા મળી રહી છે. એવું જાણવા મળ્યું છે કે યુરોપિયન યુનિયનની જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન અને સનોફી કંપની સાથેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો