એપશહેર

વુહાનમાં કોરોનાના મૂળને શોધવા પહોંચેલી WHOની ટીમને ચીને કરી દીધી ક્વારન્ટાઈન

કોરોના વાયરસની ઉત્પત્તિને શોધવા માટે WHOની ટીમ ચીનના વુહાન પહોંચી ગઈ છે.

I am Gujarat 14 Jan 2021, 11:05 pm
બેઈજિંગ, વુહાન: કોરોના વાયરસની ઉત્પત્તિ શોધવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની ટીમ ચીનના વુહાન પહોંચી ગઈ છે. ચીન પહોંચતા જ આ વૈજ્ઞાનિકોને 14 દિવસ માટે ક્વારન્ટાઈન કરી દેવાઈ છે. 15 સભ્યોની આ ટીમના બે વૈજ્ઞાનિકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિંગાપોરમાં જ રોકી દેવાયા છે. જોકે, એક વર્ષ પછી વૈજ્ઞાનિકોના પ્રવાસથી કોઈ મોટો ખુલાસો થવા અંગે દુનિયાભરના દેશોએ શંકા વ્યક્ત કરી છે. દરમિયાનમાં, હાલના દિવસોમાં ચીનમાં ફરીથી કોરોનાના કેસો ઝડપથી વધ્યા છે.
I am Gujarat WHO team


WHOએ એક ટ્વીટમાં કહ્યું કે, કોવિડ-19 માટે જવાબદાર વાયરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલા 13 વૈજ્ઞાનિકોનું આંતરાષ્ટ્રીય દળ આજે ચીનના વુહાન પહોંચી ગયું. આ ટીમ તાત્કાલિક પોતાનું કામ શરૂ કરશે અને આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બે સપ્તાહના ક્વાન્ટાઈન પીરિયડમાં રહવાના નિયમનું પાલન કરી આ સમય પૂરો કરશે. બે વૈજ્ઞાનિકો હજુ પણ સિંગાપોરમાં છે અને કોવિડ-19 સંબધી ટેસ્ટ કરાવી રહ્યા છે. ટીમના બધા સભ્યોની મુસાફરી પહેલા તેમના ગૃહ દેશોમાં ઘણા પીસીઆર અને એન્ટીબોડી ટેસ્ટ થયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ હતો.

આ ટ્વીટમાં કહેવાયું છે કે, સિંગાપોરમાં આ બે વૈજ્ઞાનિકોની ફરીથી તપાસ કરવામાં આવી છે અને પીસીઆર તપાસમાં કોઈ સંક્રમણની પુષ્ટિ નથી થઈ. પરંતુ, બે સભ્યોની આઈજીએમ એન્ટીબોડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની આઈજીએમ અને આઈજીજી એન્ટીબોડીની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.

વોલ સ્ટીટ જર્નલે લખ્યું છે કે, બે તજજ્ઞો સ્ક્રીનિંગ પ્રક્રિયામાં સંક્રમણમુક્ત નથી નીકળ્યા અને તેમને ચીન જતા રોકી દેવાયા છે. રિપોર્ટ મુજબ, સ્ક્રીનિંગ પ્રક્રિયામાં સામેલ ચીનના અધિકારીઓના પ્રતિનિધિ મંડળના બે સભ્યોને વુહાનની તેમની ફ્લાઈટમાં બેસતા રોકી દેવાયા. બંનેની સિંગાપોરમાં થયેલી લોહીની સીરોલોજી તપાસમાં કોવિડ-1ના એન્ટીબોડી માટે કરાયેલી તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

બેઈજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને બંને વૈજ્ઞાનિકોને મુસાફરીની મંજૂરી ન આપવાનો બચાવ કરતા કહ્યું કે, મહામારી અને નિયંત્રણ સંબંધી નિયમોનું કડક પાલન કરાશે.. તેમણે મીડિયા બ્રીફિંગમાં આ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, અમે ડબલ્યુએચઓના તજજ્ઞોને ચીન જવામાં મદદ કરીશું અને સુવિધા પૂરી પાડીશું.

ચીનમાં 14 દિવસ સુધી ક્વારન્ટાઈન રહેવા દરમિયાન 13 વિશેષજ્ઞો રીસર્ચ સેન્ટરો, હોસ્પિટલોના લોકોની પૂછપરછ કરશે અને સંક્રમણના શરૂઆતના પ્રકોપ સાથે સંલગ્ન દરિયાઈ જીવો અને પ્રાણીઓના બજારમાં પણ લોકો સાથે વાતચીત કરશે. ડબલ્યુએચઓની ટીમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, રશિયા, નેધરલેન્ડ, કતર અને વિયેતનામના વાયરસ અન અન્ય વિશેષજ્ઞ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો